Western Times News

Gujarati News

પત્ની પાસેથી છીનવી લીધી ૧૧ લાખની ગિફ્ટ, માગવા પર કરી મારઝૂડ

અમદાવાદ, શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય મહિલાએ પતિ, સાસુ અને સસરા સામે મંગળવારે વિશ્વાઘાત અને ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવી હતી. લગ્નમાં મળેલી ૧૧ લાખ રૂપિયાની કિંમતની ગિફ્ટ તેને પરત કરી દેવાની અવારનવાર કહ્યું હોવા છતાં પોતાની પાસે રાખી લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ફરિયાદીએ મહિલા પોલીસ (પશ્ચિમ) સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ૩૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પુરુષ સાથે થયા હતા. તેણે કહ્યું હતું કે, પરિવારના સભ્યો, સંબંધીઓ અને અન્ય મિત્રોએ તેને લગ્નમાં ગિફ્ટ આપી હતી, જેમાં સોના અને હીરાના દાગીનાનો સમાવેશ થતો હતો અને સાસરિયાંને પણ ૧ લાખ રોકડા રૂપિયા આપ્યા હતા.

૧૧ લાખ રૂપિયાની ગિફ્ટમાં સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ સહિતનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે, તેણે ૬ એપ્રિલે તેના સાસરિયાં અને પતિ સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી. કારણ કે, તેઓ તેને ત્રાસ આપતા હતા અને મારઝુડ કરતા હતા.

તેણે તેના પતિ પર અકુદરતી સંબંધનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નના બીજા જ દિવસે તેના પતિ અને સાસુ-સસરાએ તેની પાસેથી ગિફ્ટ લઈ લીધી હતી અને તે ક્યારેય પરત કરી નહોતી. ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પતિ તેમજ સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં મહિલાઓ સામે થતાં ગુનાહિત કૃત્યના અવારનવાર કેસ સામે આવતાં રહે છે. ઘરેલુ હિંસા કરનારા સામે કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં મહિલાઓ પરના અત્યાચારો અટક્યા નથી. રોજ શહેરના પોલીસ સ્ટેશનમાં કેટલીય આવી ફરિયાદો નોંધાતી રહે છે. દિવસ જતાં આવા કેસમાં ઘટાડાના બદલે વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.