Western Times News

Gujarati News

આપત્તિ સમયે અમદાવાદ ફાયર વિભાગની કાબિલેદાદ બચાવ કામગીરી

ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગને આઠ દિવસમાં બચાવ કામગીરીના ૩૧ અને આગ લાગવાના ૨૦ કોલ આવ્યા

ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મીનિટોમાં જ તમામ કોલની સમસ્યાનું સુપેરે નિરાકરણ લાવીને સ્થિતિ પૂર્વવત કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં ગત્ અઠવાડિયે ભારે વરસાદની પરિસ્થિતી સર્જાઇ હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે સરકાર અને સમાજ સૌએ સાથે મળીને કુદરતી આપતીનો દ્રઢતાપૂર્ણ સામનો કર્યો. હાલ પણ ઘણા સ્થળોએ NDRF અને SDRFના જવાનો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરમા પણ ફાયર વિભાગ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં છેલ્લા આઠ દિવસમાં 51 જેટલા બચાવ કામગીરી અને આગ લાગવાના કોલ એટેન્ડ કાબિલેદાદ સરાહનીય કામગીરી  હાથ ધરવામાં આવી છે.

છેલ્લા આઠ દિવસમાં અમદાવાદ ફાયર વિભાગને બચાવ કામગીરી માટે 31 અને આગ લાગવાના બનાવમાં મદદ માટે 20 જેટલા કોલ આવ્યા હતા. જે તમામ કોલના ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગ દ્વારા સુપેરે અને સુખદ નિવારણ લાવવામાં સફળતા મળી છે.

તમામ કોલની વિગતો આપતા અમદાવાદ ફાયર વિભાગના અધિકારી ઓમ જાડેજા જણાવે છે કે, ફાયર વિભાગને બચાવ કામગીરી માટે આવેલા કોલમાં 7 કોલ વરસાદના કારણે ગાડીમાં ફસાયેલા માણસોની મદદ માટે આવ્યા હતા. જેમાં 141 માણસોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે.

દિવાલ ધસી જવાના 4 કોલ આવ્યા જેમાં 5 વ્યક્તિઓ દટાઇ ગયા હતા જેમને પણ  સફળતાપૂર્ણ બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી 1 વ્યક્તિને ઇજા થઇ છે પરંતુ સધન સારવાર મળતા હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ફાયર વિભાગને મકાન પડવાના પણ એક કોલ આવ્યો હતો  જેમાં પણ સફળતાપૂર્ણ બચાવકામગીરી હાથ ધરવામા આવી છે. શહેરમાંથી ઝાડ પડી જવાના કુલ 18 કોલ ફાયર વિભાગને મળ્યા હતા જેનું પણ સુપેરે નિકાલ કરીને પરિસ્થિતિને પૂર્વવત કરવામાં આવી.તદ્ઉપરાંત ઇલેક્ટ્રીક થાંભલો પડવાનો એક કોલ મળ્યો હતો જેમા પણ સ્થળ પર જઇને  સધન પ્રક્રિયા હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરી છે.

જ્યારે ફાયર લાગવાના કુલ 20 કોલ મળ્યા જેમાંથી 17 કોલ ઇલેકટ્રીક શોટ સર્કિટના, જ્યારે 3 કોલ ફેકટરીમાં આગ લાગવાના મળ્યા હતા. જેમાં પણ ગણતરીની મીનિટોમાં જ ફાયર વિભાગના જવાનોને સ્થળ પહોંચીને સમગ્ર સ્થિતિને કાબૂમાં લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.