Western Times News

Gujarati News

લેન્ડ લેવલરની સરકારી સહાયથી ગોલ્લાવના ખેડૂત રણછોડભાઈનું જીવન થયું સમથળ થયું

ગોધરા, ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામના પટેલિયા રણછોડભાઈ માનસિંગભાઈ લાંબા સમયથી પોતાના ખેતરની અસમતળ જમીનને સમતળ કરવા માટે પાવડો કે લેન્ડ લેવલર ખરીદવા ઈચ્છતા હતા. તેમની આ ઈચ્છા ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની એજી.આર.-૨ એટલે કે એગ્રીકલ્ચર-૨ યોજનાએ પૂર્ણ કરી છે.

રણછોડભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી લેન્ડ લેવલરના અભાવે તકલીફ વેઠતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ યોજના હેઠળ લેન્ડ લેવલર મેળવવા માટે અરજી કરી તો ગ્રામ સેવક સ્વંય તેમના ઘરે આવીને પૂર્વ મંજૂરીનો હુકમ અને માન્ય કંપની-ડીલરોની યાદી આપી ગયા હતા. ગ્રામ સેવકે તેમને ૩૦ દિવસમાં લેવલરની ખરીદી કરી તેનું પાકુ બિલ ફોટો સાથે જમા કરવા જણાવ્યું હતું. રણછોડ ભાઈએ જણાવ્યું હતું કે તેમણે ગ્રામ સેવકના જણાવ્યા અનુસાર પાકુ બિલ અને અન્ય કાગળો જમા કરાવ્યા હતા અને ૩૦ દિવસમાં તેમના ખાતામાં રૂા. ૫૬૦૦ સીધા જમા થઈ ગયા હતા.

રણછોડભાઈએ જણાવ્યું હતું કે લેવલર મળ્યા બાદ આખો ઉનાળો તેમણે પોતાની ખાડા ટેકરા અને ઢાળ વાળી જમીનને સમતળ કરી છે અને હવે તેમને ખેતી કરવામાં ઘણી સરળતા રહેશે. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યોજના હેઠળ સહાય મેળવીને તેમની આવકમાં વધારો થશે અને તેમના માટે ખેતી સરળ બનશે તેવો તેમને વિશ્વાસ છે. રણછોડ ભાઈને જોઈને તેમની આજુબાજુના ખેડૂતોએ પણ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી છે. તેમણે ગુજરાત સરકારનો આભાર માનતા તમામ ખેડૂતોને સરકારની આ સહાયકારી યોજનાઓનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી.

અત્રે ઉલ્લ્ખનીય છે કે એજી.આર.-૦૨ યોજના કૃષિ યાંત્રીકરણ સહાય યોજના છે. જેમાં અનસૂચિત જાતિ અને જનજાતિ સિવાયની જાતિના ખેડૂતોને રૂા. ૫૬૦૦ કે યંત્રની કિંમતના ૫૦ ટકા, બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.