Western Times News

Gujarati News

હત્યાનો દોષી દીકરીઓને પરીક્ષામાં સફળતા અપાવી ૧૨ વર્ષ પછી હાજર થયો

નાગપુર, નાગપુર જિલ્લાના હત્યાના ગુનેગાર સંજય તેજને લગભગ ૧૨ વર્ષ પહેલાં પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો હતો અને આ બધા દરમિયાન તે ફરાર રહ્યો હતો, પરંતુ તેની જાેડિયા પુત્રીઓએ આ વર્ષે તેમની ધોરણ ૧૦ની મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં ૮૬% અને ૮૩% ગુણ મેળવ્યા પછી ૧૨ મેના રોજ તેણે આત્મસમર્પણ કર્યું હતું.

૫૦ વર્ષના તેજનેએ આ વર્ષો દરમિયાન પોતાને પોલીસથી છુપાવ્યો હતો અને તેની જાેડિયા દીકરીઓને ભણાવવા માટે આર્થિક મદદ પૂરી પાડવા માટે આટલા વર્ષો સુધી પ્રિન્ટિંગ યુનિટમાં કામ કર્યું હતું – તેની આ દીકરીઓનો જન્મ સજા થયા બાદ એકવાર પેરોલ પર ઘરે આવ્યો હતો ત્યારે ૨૦૦૭ માં થયો હતો.

શ્રદ્ધા અને શ્રુતિ તેજને હવે ૧૬ વર્ષની થઈ ગઈ છે. ગુરુવારે નાગપુર સેન્ટ્રલ જેલમાં એનજીઓ અને જેલ વિભાગે બંનેનું સન્માન કર્યું હતું. આ બહેનો નાગપુર જિલ્લાના હુડકેશ્વર ખુર્દ ચિકનાની સંતાજી હાઈસ્કૂલની વિદ્યાર્થિની હતી. સંજયની નવેમ્બર ૨૦૦૩માં તેના પિતા શાલીરામ અને ભાઈઓ વાસુદેવ અને નામદેવ સાથે હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ચારેયને ૨૦૦૫માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સંજય તેની પત્ની કલ્પના અને માતાને મળવા બે વખત પેરોલ પર બહાર આવ્યો હતો.

જ્યારે તે પહેલીવાર બહાર આવ્યો ત્યારે તેની પત્ની ગર્ભવતી બની હતી. જ્યારે સંજયના ઘરે દીકરીઓનો જન્મ થયો ત્યારે તેણે હાઈકોર્ટમાં પોતાની સજા રદ કરવા અપીલ કરી હતી.

હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે પેરોલ મેળવવાનું અને તેની પુત્રીઓ મોટી ન થાય ત્યાં સુધી ભાગેડુ બનવાનું નક્કી કર્યું. ૪,૨૦૦ દિવસ પેરોલ પર રહ્યા બાદ તેણે આત્મસમર્પણ કર્યું. તેના ભાગી જવાના સમયને કારણે હવે આજીવન કેદની આ સજા દરમિયાન તેને કોઈપણ વધુ રજા અને છૂટ સહિતની અન્ય સુવિધાઓ નહીં મળી શકે.

પરંતુ તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં તેની દીકરીઓથી વધારે તેના માટે કંઈ જ નથી. શ્રદ્ધાએ કહ્યું કે તેના પિતા ક્યારેક તેને ગુપ્ત રીતે મળતા હતા અને હંમેશા તેના માટે પુસ્તકો લાવતા હતા. પરીક્ષા દરમિયાન તેઓ દરરોજ અમારી સાથે પરીક્ષા સેન્ટર પર પણ આવતા હતા.

તેણીએ કહ્યું, ‘તેમણે હંમેશા અમને પ્રેરણા આપી. મારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો છે અને પછી મારા પિતાનું IFS ઓફિસર બનવાનું સપનું પૂરું કરવું છે. પરંતુ હવે બધું મારી માતાના ખભા પર આવી ગયું છે. અમે થોડી લાચારી અનુભવીએ છીએ.

શ્રુતિએ કહ્યું કે તેના પિતા દૂર રહેતા હોવા છતાં તેમણે ક્યારેય પરિવારને અસુરક્ષિત અનુભવવા દીધો નથી. તેણીએ કહ્યું, ‘અમે અમારા શિક્ષકોના પણ આભારી છીએ.’ તેણીએ કહ્યું કે હવે આમારા જીવનમાં આગળ હજુ પણ મોટા પડકારો છે. અત્યાર સુધી પિતા મજૂરી કરીને અમારા ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા, હવે આ બધો જ બોજ અમારી માતા પર આવી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.