સંસદમાં સૂત્રોચ્ચાર કરવા બદલ કોંગ્રેસના ૪ સાંસદ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ
(એજન્સી)નવી દિલ્હી, લોકસભામાં પ્લેકાર્ડ લઈને મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના ચાર સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા મંગળવાર, ૨૬ જુલાઈ સવારે ૧૧ કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોર, જ્યોતિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૃહની કાર્યવાહી સ્થગિત કરતા પહેલા અધ્યક્ષની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે કોંગ્રેસના ચાર સાંસદોને હંગામો કરવા માટે નામાંકિત કર્યા.
નિયમ ૩૭૪ હેઠળ કોંગ્રેસના ચારેય સાંસદોને ચોમાસુ સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાંસદ મોંઘવારીને લઈને ગૃહની અંદર પ્લેકાર્ડની સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ પહેલા સ્પીકર ઓમ બિરલાએ તેમને ચેતવણી આપી હતી
કે જાે તે વિરોધ કરવા ઈચ્છે છે તો ગૃહની અંદર મર્યાદા બનાવી રાખે અને પ્લેકાર્ડ સાથે વિરોધ કરવો હોય તો સંસદની બહાર કરે. લોકસભા અધ્યક્ષે વિપક્ષી સાંસદોને ચેતવણી આપતા કહ્યુ હતુ કે તે બપોરે ૩ કલાક બાદ મોંઘવારીના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ ગૃહની અંદર કોઈપણ પ્રકારનો વિરોધ ચલાવી લેવામાં આવશે નહીં.
સ્પીકરે કહ્યું- જાે તમે પ્લેકાર્ડ દેખાડવા ઈચ્છો છો તો ગૃહની બહાર પ્રદર્શન કરો. હું ચર્ચા માટે તૈયાર છું, પરંતુ મને લાગે છે કે મારી દયા મારી નબળાઈ છે. બાદમાં તેમણે કાર્યવાહી મંગળવાર માટે સ્થગિત કરી દીધી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની અંદરની સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે વિપક્ષી સાંસદોએ મોંઘવારી, એલપીજીની કિંમતોમાં વધારો અને અન્ય મુદ્દા પર સંદેશાની સાથે પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા. ત્યારબાદ સ્પીકરે ચારેય સાંસદોને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લીધો હતો.