Western Times News

Gujarati News

રાવપુરા ખાદી ભંડારના વ્યવસ્થાપકો “હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા કમર કસી રહ્યા છે

વડોદરા, આખો દેશ, ગુજરાત અને વડોદરા પ્રધાનમંત્રીશ્રી ના આહવાનને ઝીલી લઈને હર ઘર તિરંગા અભિયાનમાં જાેડાવા ઉત્સાહી બન્યો છે.ત્યારે વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત રાવપુરા પોલીસ મથકને અડીને આવેલા ખાદી ભંડારના વ્યવસ્થાપકો લોકો,મંડળો,કચેરીઓ,સંસ્થાઓની માંગ પ્રમાણે માન્ય રાષ્ટ્ર ધ્વજ ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યાં છે

કારણ કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાષ્ટ્ર ધ્વજ વિષયક પૂછપરછ અત્યાર થી જ મોટા પ્રમાણમાં મળી રહી છે.
અમારા ખાદી ભંડારમાં નાનામાં નાના રૂ.૧૯૦ થી લઈને મોટામાં મોટા રૂ.૩૪૪૦૦ ની કિંમતના રાષ્ટ્ર ધ્વજ,વિવિધ માન્ય માપ પ્રમાણે નિર્ધારિત કિંમતે માત્ર રાષ્ટ્રીય પર્વો નહિ પણ લગભગ બારે માસ ઉપલબ્ધિ પ્રમાણે વેચવામાં આવે છે તેવી જાણકારી આપતાં મેનેજર શ્રી રાકેશ પટેલે જણાવ્યું કે

અમે ભારત સરકારે માન્ય કરેલા હુબલી( કર્ણાટક) અને મુંબઈ કે..ડી.પી. ની બનાવટના રાષ્ટ્ર ધ્વજનું વેચાણ કરીએ છે.આ ધ્વજ શુદ્ધ ખાદીના કાપડમાંથી આ સંસ્થાઓ બનાવે છે. મોટેભાગે રાષ્ટ્રીય પર્વો પ્રસંગે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ થાય છે.જ્યારે ક્રિકેટ મેચ હોય,અન્ય કોઈ રાષ્ટ્ર ભાવના સાથે સંકળાયેલા ઉત્સવો હોય ત્યારે પણ નાના મોટા ધ્વજની માંગ નીકળે છે.

હર ઘર તિરંગા અભિયાનને પગલે અત્યાર થી જ મોટા પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજ માટે પૃચ્છા આવી રહી છે.ઉપરોક્ત બંને સંસ્થાઓ પાસે થી એક મર્યાદિત પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજ મળવાની શક્યતા છે. જાે કે ભારત સરકારે હાલમાં રાષ્ટ્ર ધ્વજ માટે શુદ્ધ ખાદી ઉપરાંત સાટિન સહિતના અન્ય કાપડને મંજૂરી આપી છે.

એટલે અમે અન્ય પ્રકારના માન્ય કાપડમાં થી માન્ય માપના રાષ્ટ્ર ધ્વજ બનાવનાર એકમો પાસે થી પુરવઠો મેળવવાના પ્રયત્નો શરૂ કર્યાં છે.માંગને પહોંચી વળવા અમે શક્ય તેટલા બધાં પ્રયત્નો કરીશું. અત્યાર સુધી મોટે ભાગે શુદ્ધ કોટન ખાદી અને રેશમી ખાદીમાં રાષ્ટ્ર ધ્વજ વેચાય છે.તેમાં પણ રેશમી ખાદીના ઝંડાનું વેચાણ ઓછું હોય છે.

ખાદી ભંડારમાં ધ્વજ ઉપરાંત ઝંડો ફરકાવવા માટેની ગરગડી જેવી એસેસરીઝ પણ વેચવામાં આવે છે.રાકેશભાઈએ જણાવ્યું કે અમે ૨૦ ફૂટની લંબાઈ સુધીના ધ્વજ સ્તંભ પણ ઓર્ડર પ્રમાણે ઉપલબ્ધ કરાવવાની સાથે ધ્વજને કેવી રીતે ઘડી વાળવો,સ્તંભ પર કેવી રીતે બાંધવો,કયા નિયમો પાળવા ઇત્યાદિનું માર્ગદર્શન પણ સંસ્થાઓ ને આપીએ છે.

આ ઉપરાંત ઓફિસ પર કે ઘરમાં ટેબલ પર મૂકી શકાય તેવા, ખમીસના બટન કે ખીસા પર લગાડી શકાય તેવા,કારમાં ડેશ બોર્ડ પર લગાવવા માટે ના ક્રોસ ફ્લેગ પણ રાખીએ છે. ખાદી ભંડારમાં રાષ્ટ્ર ધ્વજ અને એસેસરીઝના વેચાણ માટે અલાયદું કાઉન્ટર નિયત કરવામાં આવ્યું છે.કર્મચારીઓ પણ જરૂરી માર્ગદર્શન આપી શકે તે રીતે સુસજ્જ છે.

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવામાં અમારો સંઘ અને અમારો ખાદી ભંડાર મહત્તમ યોગદાન આપવા તત્પર છે એમ તેમણે ઉમેર્યું હતું. હર ઘર તિરંગા એ રાષ્ટ્ર ભાવનાને પ્રોત્સાહિત કરવાનો,સ્વદેશ પ્રેમ સિંચવાનો ઉત્સવ છે.પ્રત્યેક ઘર અને પ્રત્યેક જન તેની સાથે જાેડાય એ ઈચ્છનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.