ભરૂચના NH48 ઉપર બેકાબુ બનેલ ટ્રેલરે વાહનોને કચડયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા માંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અકસ્માત ઝોન બની રહ્યો છે.ત્યારે છેલ્લા કેટલાય દિવસોમાં અનેક અકસ્માતની ઘટનાઓ આ માર્ગ ઉપર થી સામે આવી છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટનાએ લોકોના જીવ ટાળવે ચોંટાડી દેતા નાસભાગના દ્રશ્યો જાેવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ વડદલા નજીકથી એક મહાકાય ટ્રેલર માતેલા સાંઢની જેમ પૂરઝડપે સુરત તરફ પસાર થઈ રહ્યું હતું.તે દરમ્યાન અચાનક ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા નજીક માં આવેલ શો રૂમમાં ઘુસી જતા નાસભાગ મચી જવા પામી હતી.
ટ્રેલર ઘુસી જવાના પગલે શો રૂમના પાર્કિંગમાં રહેલા ૨૦ થી વધુ વાહનોને કચડી નાંખતા વાહનોને નુકસાન થવા પામ્યું હતું.લોકો કઈંક સમજે તે પહેલા ટ્રક શો રૂમના કંપાઉન્ડમાં ધસી આવી હતી અને લોકોના નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જાેકે સદર બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.બનાડ સંદર્ભે શો રૂમના માલિકે તપાસ આરંભી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથધરી હતી.