ગણેશ સુગરમાં ૮૫ કરોડના કૌભાંડમાં વધુ એકની અટકાયત
જયવીરસિંહ રાઠોડની અટકાયત કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા-હાલ પૂર્વ ચેરમેન જામીન ઉપર મુક્ત છે
(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયા વટારીયા સ્થિત આવેલ ગણેશ સુગરના ૮૫ કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની અગાઉ ધરપકડ બાદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુગરના પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજર જયવીરસિંહ રાઠોડની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વાલિયાની ગણેશ સુગરમાં પૂર્વ ચેરમેન સહિત ૯ લોકોએ ૮૫ કરોડની આર્થિક ઉચાપત કરી હોવાની ફરિયાદ ગત વર્ષે નોંધાઈ હતી.ગત વર્ષે દિવાળી પેહલા જ પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની ધરપકડ કરવામાં આવતા રાજકીય અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.
હાલ પૂર્વ ચેરમેન જામીન ઉપર મુક્ત છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો તપાસનો રેલો ગણેશ સુગરના કર્મચારી સુધી પહોંચતા પુરાવાના આધારે ગણેશ સુગર માંથી ચાલુ ફરજ દરમ્યાન માકેઁટીગ મેનેજર અને પરચેઝ ઓફીસર જયવિર રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી
અને વાલિયા કોર્ટમાં જયવીરસિંહને રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.રૂપિયા ૮૫ કરોડના કથિત કૌભાંડનો રેલો ક્યાં સુધી પહોંચે છે અને હજી આ કથિત કૌભાંડમાં સંડોવણી બદલ કેટલા લોકોની ધરપકડ થાય છે તેની ચર્ચા રાજકીય અને સહકારી ક્ષેત્રે હાલ જાેરશોરમાં શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે જે તે સમયે સુગર ફેકટરીના જ સભાસદે પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પૂર્વ ચેરમેન સહિત ૯ લોકો સામે આર્થિક ઉચાપત અંગે ગુનો દાખલ કર્યો હતો.પૂર્વ ચેરમેનની ધરપકડ થતા આ કોંગી આગેવાને તેઓની રાજકીય અને સહકારી કારકિર્દી ખતમ કરી દેવા રાજકીય ઈશારે આ કાર્યવાહી થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ સમગ્ર કૌભાંડમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જાેવું રહ્યું