બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન થરાદ તાલુકામાં ૧૫૦ મિ.મી., વરસાદ નોંધાયો છે જ્યારે લાખણી ૯૬ મિ.મી. કઠલાલમાં ૮૫ મિ.મી, સુઈગામ અને વડગામમાં ૮૧ મિ.મી. અને પાલનપુરમાં ૭૫ મિ.મી મળી પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે, મહેમદાવાદ તાલુકામાં ૭૨ મિ.મી., ખેરગામમાં ૬૯ મિ.મી., દાંતામાં ૬૭ મિ.મી., વાવમાં ૬૫ મિ.મી, મહુધામાં ૬૦ મિ.મી, ધાનેરામાં ૫૮ મિ.મી, ડીસામાં ૫૪ મિ.મી, અંજાર અને સતલાસણામાં ૫૨ મિ.મી., વાલિયામાં અને સંતરામપુરમાં ૫૧ મિ.મી., ભુજ અને બાલાસિનોરમાં ૫૦ મિ.મી મળી કુલ ૧૩ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ૫૮ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં ચાલુ મૌસમનો કુલ સરેરાશ વરસાદ ૬૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૬.૩૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૦.૪૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૦.૬૯ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૬.૩૪ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૬.૮૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.