સાબરકાંઠાથી ચેન્નાઈ પહોંચી, પ્રધાનમંત્રીએ 44મી ચેસ ઓલિમ્પિયાડનો શુભારંભ કરાવ્યો
ગૂડ ઇવનિંગ ચેન્નાઈ! વનાક્કમ! નમસ્તે!, તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિનજી, મંત્રીઓ અને મહાનુભાવો, એફઆઇડીઇના પ્રમુખ શ્રી અર્કાડી દ્વોરકોવિચજી, તમામ ખેલાડીઓ અને આ ટૂર્નામેન્ટમાં સહભાગી થયેલી ટીમો, દુનિયાભરના ચેસ પ્રેમીઓ, દેવીઓ અને સજ્જનો, PM’s address at the opening of 44th Chess Olympiad in Chennai
હું તમને બધાને ભારતમાં આયોજિત 44મા ચેસ ઓલિમ્પિયાડમાં આવકારું છું. ચેસનું ઘર ગણાતા ભારતમાં ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું ભારતમાં આગમન થયું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન અહીં ભારતના ઇતિહાસમાં વિશેષ સમયમાં થયું છે. આ વર્ષે આપણે સંસ્થાનવાદી શાસન કે બ્રિટિશરોના શાસનમાંથી આઝાદી મેળવવાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. આ અમારી આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા દેશ માટે આ પ્રકારના સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સમયે તમારા બધાનું અહીં હોવું અમારા માટે ગૌરવની વાત છે.
હું આ ટૂર્નામેન્ટના આયોજકોની પ્રશંસા કરું છું. અતિ ટૂંકા સમયગાળામાં તેમણે ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરી છે. અમે ભારતમાં ‘अतिथि देवो भव’માં માનીએ છીએ, જેનો અર્થ છે – ‘અતિથિ ઈશ્વર સમાન છે.’ હજારો વર્ષો અગાઉ તિરુવલ્લુવરે કહ્યું હતું કેઃ
इरुन-दोम्बी इलवाड़-वदेल्लाम् विरून-दोम्बी वेड़ाणमई सेय्दर् पोरुट्टु |
એનો અર્થ છે – જીવનમાં કમાણી અને ઘર હોવાનો સંપૂર્ણ ઉદ્દેશ આતિથ્યસત્કારનો છે. અમે તમને બધાને સુવિધાજનક લાગણીનો અનુભવ કરાવવા શક્ય તમામ પ્રયાસ કરીશું. તમે બોર્ડ પર તમારી શ્રેષ્ઠ રમત પ્રદર્શિત કરો એમાં અમને તમને મદદ કરીશું.
44મી ચેસ ઓલિમ્પિયાડ ઘણી સૌપ્રથમ સિદ્ધિઓ અને રેકોર્ડની ટૂર્નામેન્ટ છે. પહેલી વાર ચેસ ઓલિમ્પિયાડનું આયોજન એના જન્મસ્થાન ભારતમાં થયું છે. વળી 3 દાયકામાં પહેલી વાર એશિયામાં આ રમતનું આયોજન થયું છે. એટલું જ નહીં ચાલુ વર્ષે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ દેશો સહભાગી થયા છે. સાથે સાથે મહિલાઓના વિભાગમાં સૌથી વધુ સંખ્યામાં એન્ટ્રી મળી છે. આ વર્ષે પહેલી વાર ચેસ ઓલિમ્પિયાડની જ્યોત ફરી છે. આ ચેસ ઓલિમ્પિયાડ હંમેશા અમને યાદ રહેશે.
આ વર્ષે આપણી આઝાદીનું 75મું વર્ષ હોવાથી ચેસ ઓલિમ્પિયાડની જ્યોત 75 ઐતિહાસિક સ્થળોમાં ફરી હતી. એની 27,000થી વધારે કિલોમીટરની સફરે યુવાનોના મનને પ્રજ્જવલિત કર્યા છે અને તેમને ચેસમાં અગ્રેસર થવા પ્રેરિત કર્યા છે. વળી આ પણ ગર્વની બાબત છે કે, ચેસ ઓલિમ્પિયાડ માટેની જ્યોતની સફર ભવિષ્યમાં હંમેશા ભારતથી શરૂ થશે. આ માટે દરેક ભારતીય તરફથી હું એફઆઇડીઇનો આભાર માનું છું.
આ ચેસ ઓલિમ્પિયાડ જે સ્થાને યોજાઈ છે એ સૌથી વધુ ઉચિત છે. તમિલનાડુમાં સુંદર સ્થાપત્ય ધરાવતા ઘણા મંદિરો છે, જે વિવિધ રમતોનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી સંસ્કૃતિમાં રમતગમતને હંમેશા પવિત્ર ગણવામાં આવી છે. હકીકતમાં તમિલનાડુમાં તમને ચતુરંગા વલ્લભાનાથરનું મંદિર જોવા મળશે.
થિરુપૂવનનુરમાં આ મંદિર ચેસ સાથે એક રસપ્રદ કથા ધરાવે છે. કહેવાય છે કે, ઈશ્વર પણ આ ચેસની રમત રાજકુમારી સાથે રમતા હતા! સ્વાભાવિક છે કે, તમિલનાડુ ચેસ સાથે ગાઢ ઐતિહાસિક જોડાણ ધરાવે છે. આ કારણે તમિલનાડુને ભારત માટે ચેસનું પાવરહાઉસ ગણવામાં આવે છે.
આ રાજ્યએ ભારતના ઘણા ચેસ ગ્રાન્ડમાસ્ટર્સની ભેટ ધરી છે. આ પ્રતિભાવંત અને બુદ્ધિશાળી લોકોનું, જીવંત સંસ્કૃતિનું અને દુનિયામાં સૌથી પ્રાચીન ભાષા તમિલ ધરાવતું રાજ્ય છે. મને આશા છે કે, તમને ચેન્નાઈ, મહાબલિપુરમ અને આસપાસના વિસ્તારો જોવાની તક મળશે.
રમત સુંદર છે, કારણ કે તેમાં લોકોને એકતાંતણે બાંધવાની સ્વાભાવિક ક્ષમતા રહેલી છે. રમતગમત લોકો અને વિવિધ સમાજને એકબીજાની નજીક લાવે છે. રમતગમતથી ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન મળે છે. બે વર્ષ અગાઉ દુનિયાએ સદીમાં સૌથી મોટી મહામારી સામે લડવાની શરૂઆત કરી હતી. લાંબા સમય સુધી જીવન સ્થગિત થઈ ગયું હતું.
આ પ્રકારના સ્થિતિસંજોગો કે સમયમાં વિવિધ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં દુનિયા એકતાંતણે બંધાઈ હતી. દરેક ટૂર્નામેન્ટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો – જ્યારે આપણે એકતાંતણે બંધાઈ જઈએ છીએ, ત્યારે આપણે વધારે મજબૂત થઈએ છીએ. હું અહીં એવી જ ભાવના જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. કોવિડ પછીના ગાળામાં આપણને શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની ફિટનેસ અને વેલનેસનું મહત્વ સમજાયું છે. આ કારણે રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને રમતગમતના માળખામાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે.
મને એ જણાવવાની ખુશી છે કે, અત્યારે ભારતમાં રમતગમત માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. ભારતે ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અ ડેફલિમ્પિક્સમાં એનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અમે એવી રમતોમાં પણ સફળતા હાંસલ કરી હતી, જેમાં અમે અગાઉ ક્યારેય જીત્યાં નહોતાં. અત્યારે રમતગમતને પસંદગીની શ્રેષ્ઠ કારકિર્દીની તક તરીકે જોવામાં આવે છે.
બે મહત્વપૂર્ણ પરિબળોના સુભગ સમન્વયને કારણે ભારતની રમતગમતની સંસ્કૃતિ મજબૂત થઈ છે. આ બે પરિબળો છે – યુવાઓની ઊર્જા અને સક્ષમ વાતાવરણ. અમારા પ્રતિભાવંત યુવાનો, ખાસ કરીને નાનાં શહેરો અને ગામડાઓમાંથી યુવાનોએ દેશનું નામ રોશન કર્યું છે. ભારતના રમતગમતની ક્રાંતિનું નેતૃત્વ મહિલાઓ કરી છે એ જોવું વિશેષ આનંદદાયક બાબત છે. વહીવટી માળખાગત કાર્ય, પ્રોત્સાહનજનક માળખું અને માળખાગત સુવિધાની કાયાપલટ થઈ રહી છે.
આજે આંતરરાષ્ટ્રીય રમતગમત માટે એક સારો દિવસ છે. અમે ભારતમાં અહીં 44મી ચેસ ઓલિમ્પિયાડનો શુભારંભ કર્યો છે. બ્રિટનમાં 22મા કોમનવેલ્થ રમતોત્સવની આજથી શરૂઆત થશે. દુનિયાના ઘણા દેશોમાંથી હજારો રમતવીરો તેમના દેશોનું નામ રોશન કરવા આતુર છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું!
રમતગમતમાં કોઈ પરાજિત થતું નથી. તેમાં વિજેતાઓ અને ભવિષ્યના વિજેતાઓ હોય છે. હું અહીં 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે એકત્ર થયેલી તમામ ટીમો અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું. મને આશા છે કે, તમે ભારતમાં શ્રેષ્ઠ યાદગાર ક્ષણો માણશો અને આગામી સમયમાં તેને હંમેશા માટે સાચવશો. ભારત હૃદયપૂર્વક હંમેશા તમને આવકાર આવશે. ઓલ ધ બેસ્ટ! હવે હું 44મી ચેસ ઓલિમ્પિડયાડને ખુલ્લી મૂકવાની જાહેરાત કરું છું! રમત શરૂ થઈ શકે છે!