રણબીર-શ્રદ્ધાની ફિલ્મના સેટ પર લાગેલી આગમાં એકનું મોત
મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મના સેટ પર શુક્રવારના રોજ આગ ફાટી નીકળી હતી. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
મુંબઈ શહેરના અંધેરી વિસ્તારમાં આ ઘટના બની હતી. કૂપર હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, ૩૨ વર્ષીય મનિષ દેવાશીનું આ ઘટનામાં નિધન થયું છે. તેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેણે જીવ ગુમાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ નજીક આવેલા ચિત્રકૂટ ગ્રાઉન્ડ પર ફિલ્મ સેટમાં આગ ફાટી નીકળી હતી. શરુઆતમાં એવી જાણકારી મળી હતી કે કોઈ દુકાનમાં આગ લાગી છે, પરંતુ પાછળથી પૃષ્ટિ થઈ ગઈ હતી કે આગ સેટ પર લાગી હતી.
ઘટનાસ્થળ પર આઠ ફાયર એન્જિન, વોટર ટેન્કર્સ અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. સાંજે લગભગ સવા સાત વાગ્યા સુધીમાં સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.
આગના જે વીડિયો અને તસવીરો સામે આવી રહ્યા છે તેમાં ધૂમાડાના ગોટેગોટા જણાઈ રહ્યા છે. નોંધનીય છે કે લવ રંજનની આ ફિલ્મનું નામ અને વધારે જાણકારી હજી સુધી સામે નથી આવી. શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર ટૂંક જ સમયમાં અહીં શૂટિંગ શરુ કરવાના હતા પરંતુ હવે લેવલ-૨ આગને કારણે શૂટિંગની તારીખો પાછી ઠેલવવામાં આવશે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ સ્પેનમાં શૂટિંગ સમાપ્ત કર્યું અને મુંબઈ પાછા ફર્યા હતા. આ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હશે. પહેલીવાર સ્ક્રીન પર રણબીર અને શ્રદ્ધાની જાેડી જાેવા મળશે. તેમના સિવાય આ ફિલ્મમાં ડિંપલ કપાડિયા અને બોની કપૂર પણ મહત્વના રોલમાં જાેવા મળશે. શક્ય છે કે ફિલ્મ ૮મી માર્ચ ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.SS1MS