“ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરેન્સ નીતિ”: 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નાશ
દેશમાં NCBએ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી, 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નાશ
નવી દિલ્હી:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં 30,000 કિલો ડ્રગ્સ નષ્ટ કર્યું છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, “ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરેન્સ નીતિ છે. ચંદીગઢથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 4 સ્થળોએ 30,000 કિલોથી વધુ જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. આપણે ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લગાવીને યુવા પેઢીને બચાવવાની છે. એનસીબીએ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીનું આહ્વાન કર્યું છે. એનસીબીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. શનિવારે 30,468.784 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કર્યા બાદ કુલ જથ્થો 81,686 કિલોગ્રામની આસપાસ પહોંચી જશે. ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે.
ચંદીગઢથી આયોજીત વીડિયો કોન્ફરન્સમાં પહેલીવાર ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડ્રગ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ એક મંચ પર હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર જ નહીં, પરંતુ સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ વિપરીત અસર પડે છે. “આપણે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવું પડશે,”
નાર્કોટિક્સ સામેની ઝડપી અને આગળ વધતી લડાઈના પરિણામો દેખાવા લાગ્યા છે. માદક દ્રવ્યો યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે અને તેને ઉધઈની જેમ નુકસાન કરે છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સંકટને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ કોન્ફરન્સ દેશને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના મોદી સરકારના અટલ સંકલ્પને દર્શાવે છે. કોન્ફરન્સ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુખ્ય પ્રધાનો, પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય સચિવો અને ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકોને મળશે. એનસીબી દ્વારા દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં લગભગ 31,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.