મતદાર નોંધણી અધિકારીઓને નવા ફોર્મ્સ અને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ સંપન્ન
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને નવા ફોર્મ્સ અને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને મતદાર તરીકે નોંધણી, મતદાર ઓળખપત્રને લગતા નવા ફોર્મ, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાવવામાં આવેલા વિવિધ આઈ.ટી. પ્લેટફોર્મ્સ તથા સ્વિપની કામગીરી સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત આ વર્કશૉપમાં અમદાવાદ ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલ, વડોદરા ખાતે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ, રાજકોટ ખાતે સંયુક્ત નિયામકશ્રી એમ.બી. પંડ્યા તથા સુરત ખાતે હિસાબી અધિકારીશ્રી સહદેવસિંહ સોલંકી ઉપસ્થિત રહી મદદનીશ મતદાર નોંધણી
અધિકારીશ્રીઓ(AEROs)ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભારતીય ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર્સ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા લાયકાતની તારીખોમાં સુધારો, મતદાર ઓળખપત્ર (EPIC) સાથે આધાર નંબર લીંક કરવાની સુવિધા, સર્વિસ વોટર્સ માટે સુધારા સાથેના નવા ફોર્મ્સ સહિતની વિગતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વર્કશૉપ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નામ નોંધણી કરાવવા વર્ષ દરમ્યાન લાયકાતની ચાર જુદી-જુદી તારીખો નક્કી કરવામાં આવતાં તા.૦૧લી ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે. જેનાથી મહત્તમ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવાનો અવસર મળશે.
યુવાનોની મતદાર તરીકે નોંધણી થાય અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું કે,
આજના હાઈટેક યુગમાં મોટાભાગનો યુવાવર્ગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ અને ટ્વિટર જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી ઈ-પોસ્ટર, ઑડિયો-વિડિયો સંદેશ, રિલ્સ વગેરેનો મહત્તમ ઉપયોગ ઈલેક્ટોરલ રોલના કેમ્પેઈનિંગ અને મતદાર જાગૃતિ માટે કરવામાં આવે તો વધુને વધુ યુવાનો સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને માહિતી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.
યુવા મતદારોની નોંધણીની સાથે સાથે સ્થળાંતર કરતાં શ્રમિકો, મહિલાઓ, દિવ્યાંગજનો તથા થર્ડ જેન્ડર નાગરિકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમને જાગૃત કરવાની દિશામાં મહત્તમ પ્રયાસો કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર્સ દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને તેમની કામગીરીને લગતી ERONET અને Garuda ઍપ્લિકેશન, નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ, વોટર હેલ્પલાઈન ઍપ, પી.ડબલ્યુ.ડી. સહિતની ઍપ્લિકેશનના ઉપયોગ અને ટેક્નિકલ બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ-૨૮ મુજબ કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચના પરામર્શમાં તા.૧૭/૦૬/૨૦૨૨ના નોટીફિકેશનથી મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ હેઠળ નવા મતદારોની નોંધણી અને સુધારા સહિતના નવીન ફોર્મ વધુ સરળ બનાવવામાં આવ્યા છે. જેમાં મતદાર તરીકે નામ નોંધાવા ફોર્મ નં.૦૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નં.૦૭ અને મતદારયાદીમાં નામ, સરનામુ, ફોટોગ્રાફ સહિતની વિગતોમાં સુધારો કરાવવા માટે ફોર્મ નં.૦૮ ભરવા અંગે ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન અધિકારીઓને વિગતવાર સમજૂતિ આપવામાં આવી હતી.
ગત તા. ૨૯ જૂલાઈના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે મળી કુલ ૩૩ જિલ્લાના ૪૦૬ તથા તા. ૩૦ જૂલાઈના રોજ ૪૦૭ મળી કુલ ૮૧૩ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.