પ્રકૃતિના જતન-સંવર્ધન માટે લડી રહેલા વન વિભાગના અધિકારીઓ ‘સિપાઈ’ છે : રાજ્યપાલ
પ્રકૃતિની જાળવણીની ઈશ્વરની વ્યવસ્થામાં વન વિભાગ સહયોગી કાર્ય કરી રહ્યું છે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના વન વિભાગના અધિકારીઓને ‘સિપાઈ’ તરીકે સંબોધીને કહ્યું હતું કે, દેશ અને દુનિયા સામે અત્યારે સૌથી મોટો પડકાર પ્રાકૃતિક સંપદાના જતનનો છે.
પૃથ્વી, વાયુ, જલ, આકાશ અને અગ્નિ; આ પાંચ મહાભૂત વિકૃત રૂપ ધારણ ન કરે એ જોવાની જવાબદારી માનવજાતની છે. પ્રકૃતિ સંતુલનમાં રહે તો સુખદાયી છે અને વિકૃત થાય તો દુઃખદાયી છે. પ્રકૃતિના જતન માટે લડી રહેલા વન વિભાગના અધિકારીઓ ગુજરાતના ‘સિપાઈ’ છે.
રાજ્યના વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરથી લઈને મુખ્ય વન સંરક્ષક સુધીના અધિકારીઓને આજે ગાંધીનગરમાં વન સંશોધન સંકુલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણા મનમાં જે વિચારો હશે એ જ વાણીમાં આવશે અને વાણીમાં હશે એ જ વર્તનમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે.
ઈશ્વરે આપણને આપેલી પ્રકૃતિનું રક્ષણ કરવું આપણો ધર્મ છે. વિકાસના નામે આપણે પ્રકૃતિનું શોષણ અને દોહન કરીએ છીએ, પરિણામે ગ્લોબલ વૉર્મિંગ જેવો સૌથી મોટો પડકાર આપણી સામે આવીને ઉભો છે, જે ખતરાની ઘંટી છે. આવી સ્થિતિમાં વન વિભાગ પ્રકૃતિને જાળવવાની ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગી કામ કરી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, પાછલા જન્મમાં પુણ્યકર્મો કર્યા હશે કે આ જન્મે વન વિભાગમાં સેવા આપવાની તક મળી અને આ જન્મમાં પણ પ્રકૃતિના જતનનું પુણ્યકર્મ કરીને વન વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ આગલા જન્મ માટે સારું ભાથું બાંધી રહ્યા છે.
પર્યાવરણના નુકસાનથી ધરતી વેરાન બની રહી છે. ભૂગર્ભમાં જળ ઓછા થતા જાય છે. જે જળ છે એ પણ પીવાલાયક નથી રહેતું. મહાનગરોમાં નાના બાળકોને અસ્થમા જેવા રોગ થઈ રહ્યા છે. આંખોના ચશ્મા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વન-જંગલ બચશે તો જ પર્યાવરણ બચશે, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સૌ માનવીઓના આયુષ્ય નિરોગી અને દીર્ઘ રહે એ માટે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણની સુરક્ષા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની અનિવાર્યતા વિષે બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતી માટે અભિયાન આદર્યું છે. ગુજરાતમાં અત્યારે પોણા બે લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધશે. કિસાનો પોતાના જ ગૌ-ધનથી ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી ઝીરો ખર્ચથી વધુ ઉત્પાદન મેળવી શકશે. પર્યાવરણ બચશે.
પાણી બચશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોથી શુદ્ધ ખોરાક મળશે પરિણામે લોકો હોસ્પિટલ જતા બચશે અને ખેડૂતોની આવક બમણી થશે. આમ એક કામથી અનેક લાભ થશે. તેમણે વન વિભાગના અધિકારીઓને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પ્રક્રિયા વિસ્તૃત રીતે સમજાવી હતી. પ્રાકૃતિક કૃષિ માટે આચ્છાદન, અળસીયા અને વાપ્સાની આવશ્યકતા વિશે પણ તેમણે વૈજ્ઞાનિક અભિગમથી વિગતવાર જાણકારી આપી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે એક ‘ગુરુજી’ તરીકે વન વિભાગના અધિકારીઓ પાસેથી ‘દક્ષિણા’ માંગતા કહ્યું હતું કે, વધુને વધુ કિસાનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત અને શિક્ષિત કરવા પ્રયત્ન કરજો.
વનના જતનમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરશો તો પર્યાવરણ બચશે અને પર્યાવરણ બચશે તો જ દુનિયા બચશે. પ્રાકૃતિક કૃષિને પોતાનું ‘પેશન’ ગણાવતા તેમણે વન અધિકારીઓને પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિસ્તાર માટે ‘પેશન’થી કામ કરવા અનુરોધ કર્યો હતો. આ મિશનને આગળ ધપાવવા તેમણે સહિયારા પ્રયત્નો પર ભાર મૂક્યો હતો.
સંમેલનના આરંભે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ ગુજરાતના વનવિસ્તારમાં રહેતા આદિમજૂથના કોટવાડિયા સમુદાયના લોકોએ બનાવેલા વાંસ ઉત્પાદનો અને વન ઔષધિઓથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક (સંશોધન અને તાલીમ) શ્રી મહેશ સિંગે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સંમેલનમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ગુજરાતના ફોરેસ્ટ ફોર્સના વડા શ્રી એમ.એમ. શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ વન સંશોધન સંકુલમાં બોરસલીનું વૃક્ષ પણ વાવ્યું હતું.