યુવકની જીભ લથડાતી હતી અને આંખો લાલઘૂમ હતી, નશામાં ડ્રાઈવીંગ કરી રહ્યો હતો
નશાની હાલતમાં મર્સડિઝ ચલાવી રહેલો યુવક ઝડપાયો-૨૬ વર્ષીય યુવકની જીભ લથડાતી હતી અને આંખો લાલઘૂમ હતી, યોગ્ય રીતે ચાલી પણ શકતો નહોતો
અમદાવાદ, બોટાદ ઝેરી દારુકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને દેશી દારુની ભઠ્ઠીઓ બંધ કરાવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. A young man was caught driving a Mercedes while intoxicated
ત્યારે વસ્ત્રાપુર પોલીસે નશો કરીને મર્સડિઝ કાર ચલાવી રહેલા એક ૨૬ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ મર્સડિઝનો ચાલક રસ્તા પર અસ્તવ્યસ્ત કાર ચાલાવી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું. જેથી પોલીસે કાર ચાલકને રોકતો તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ વસ્ત્રાપુર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના શુક્રવારની રાત્રીની છે. એ દિવસે વસ્ત્રાપુર પોલીસ એસ.કે. ફાર્મ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક મર્સડિઝ કાર પોલીસને નજરે પડી હતી. મર્સડિઝનો ચાલક રસ્તા પર આડીઅવળી કાર ચલાવી રહ્યો હોવાનું પોલીસને નજરે પડ્યો હતો.
જેથી પોલીસને શંકા ગઈ હતી. બાદમાં પોલીસે કારને અટકાવીને રોકવા માટે કહ્યું હતું. બાદમાં પોલીસે કારની પૂછપરછ કરી હતી. ત્યારે આ મર્સડિઝ કારના ચાલકે પોતાની ઓળખ ૨૬ વર્ષીય દત્ત પટેલ તરીકે આપી હતી. તે થલતેજમાં આવેલા વૃંદાવન બંગલોઝમાં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસ સાથેની વાતચીત દરમિયાન યુવકના મોંઢામાંથી દારુની ગંધ આવી રહી હતી. નશો કર્યો હોવાથી તેની આંખો પણ લાલઘૂમ થઈ ગઈ હતી. જ્યારે તે પોલીસ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેની જીભ પણ લથડાતી હોઈ સ્પષ્ટ રીતે બોલી શકતો નહોતો.
જ્યારે પોલીસે મર્સડિઝના ચાલક યુવકને કારમાંથી બહાર આવવા માટે કહ્યું ત્યારે તે યોગ્ય રીતે ચાલી પણ શકતો નહોતો. આખરે યુવકને લઈને પોલીસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. સાથે જ નશો કરીને ડ્રાઈવિંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સિવાય પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, બોટાદ ઝેરી દારુકાંડ બાદ રાજ્યભરની પોલીસ સક્રિય બની છે. દારુના દુષણને ડામવા પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઝેરી દારુકાંડ બાદ પોલીસે કેટલાંક બુટલેગરોને પણ ઝડપી પાડ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પોલીસ દ્વારા સખત ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.