ઉ. ગુજરાતના છ યુવકો અમેરિકામાં ઘૂસણખોરી કરતી વેળા ઝડપાયા
અમદાવાદ, અમેરિકામાં ગમે તેમ કરીને ઘૂસવા માટે ઉત્તર ગુજરાતના લોકો કલ્પના પણ ના કરી શકાય તેટલા મોટા જાેખમ લઈ રહ્યા છે. અત્યારસુધી આવા પ્રયાસમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતાંય અમેરિકા જવાના મોહમાં કોઈ ઘટાડો નથી થયો. તેવામાં કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ઘૂસવા જતાં વધુ સાત યુવકો ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો, જુલાઈમાં ઉત્તર ગુજરાતના સાત યુવકો અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતી વેળાએ અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.
આ સાતેય યુવકો વાયા ક્યુબેક થઈને ન્યૂયોર્કમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ઉંમર ૨૦-૨૫ વર્ષ જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ યુવકો ગાંધીનગર તેમજ મહેસાણાના નિવાસી છે, જેઓ જુલાઈના બીજા સપ્તાહમાં કેનેડા જવા નીકળ્યા હતા, જ્યાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો તેમનો પ્લાન હતો.
પોલીસ સૂત્રોનું માનીએ તો, આ યુવકો કેનેડાના ક્યૂબેક થઈને ન્યૂયોર્કમાં પ્રવેશતાની સાથે જ ઝડપાઈ ગયા હતા. હાલ અમેરિકાની જેલમાં રહેલા યુવકો સામે ઈમિગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા એલિયન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત પોલીસે પણ આ ઘટનાની નોંધ લેતા તેની તપાસ શરુ કરી છે. પોલીસ આ યુવકોના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, પરંતુ તેઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.
બીજી તરફ, પોલીસનો દાવો છે કે આ સાતેય લોકોએ મહેસાણાના એક લોકલ એજન્ટ અને તેના દિલ્હી સ્થિત પાર્ટનરની મદદથી સારા બેન્ડ મેળવ્યા હતા, જેના આધારે કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મેળવી તેઓ ત્યાં પહોંચ્યા હતા.
એક પોલીસ અધિકારીએ આ ઘટના વિશે વધુ માહિતી આપવાનો ઈનકાર કરતા એટલું જણાવ્યું હતું કે, કાયદેસર રીતે કેનેડા પહોંચ્યા બાદ આ યુવકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવા ગયા ત્યારે જ તે તમામ ઝડપાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૦૫ મેના રોજ આ જ રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા મહેસાણાના છ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ યુવકો નાનકડી બોટમાં સવાર થઈ અમેરિકામાં ઘૂસી રહ્યા હતા. જાેકે, તેમની બોટ ડૂબી જતાં તે તમામ પણ નદીના ઠંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, પરંતુ અમેરિકન પોલીસે તેમને તાત્કાલિક બચાવી લઈ કસ્ટડીમાં લીધા હતા.
આ છ યુવકો સામે અમેરિકન કોર્ટે માનવીય અભિગમ દાખવતા તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ પ્રોસિડિંગ હાથ ધરવાને બદલે તેમને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો.
ગુજરાતીઓની અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોની જીવના જાેખમે પણ અમેરિકા જવાની ચાહત આજકાલની નથી. વર્ષોથી સેંકડો લોકો આ રીતે દર વર્ષે અમેરિકા જાય છે.
જાેકે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ડીંગુચાનો એક પરિવાર કાતિલ ઠંડીમાં કેનેડાથી પગપાળા અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા નીકળ્યો હતો, પરંતુ અમેરિકાની હદ શરુ થાય તેનાથી સાવ નજીક પરિવારના ચારેય સભ્યો થીજીને મોતને ભેટ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ કેનેડા અને અમેરિકાની પોલીસે પોતાને ત્યાં સક્રિય એજન્ટો પર ઘોંસ બોલાવી હતી, તો બીજી તરફ ગુજરાત પોલીસે પણ સક્રિય થઈ એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS