છનાલાલ જોશી બધાને ‘આપણા’ લાગે એવું વ્યક્તિત્વ ધરાવતા હતા: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-માર્ગના નામાભિધાનથી છનાલાલ જોશીની સ્મૃતિ કાયમ માટે જળવાઈ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં દિશમાન ફાર્મા હાઉસથી સ્પ્રિંગવેલી સર્કલ સુધીના નવનિર્મિત માર્ગને છનાલાલ જોષી માર્ગ નામાભિધાન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે છનાલાલ જોશી બધાને ‘આપણા’ લાગે એવું વ્યક્તિત્વ ધરાવતા હતા. જાહેરજીવનમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા છનાલાલ જોશી સૌ કોઈની સાથે પારિવારિક ભાવનાથી જોડાયેલા રહેતા હતા, એવું તેમણે ઉમેર્યું હતું.
છનાલાલ જોશી સાથેની સ્મૃતિ વાગોળતાં મુખ્યમંત્રીશ્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે માર્ગના નામાભિધાનથી છનાલાલ જોશીની સ્મૃતિ કાયમ માટે જળવાઈ રહેશે.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, દેશભાવનાને વ્યક્ત કરવા માટે આપણે સૌ આપણા ઘર પર તો તિરંગો લહેરાવીએ જ સાથે સાથે આસપાસના ઘરોમાં પણ તિરંગો લહેરાય એ માટે પ્રયાસ કરીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ અભિયાનને સફળ બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે છનાલાલ જોશીના પુત્ર તેજસભાઈ જોશીએ માર્ગના નામાભિધાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરના જાહેરજીવનમાં જીવન સમર્પિત કરી દેનારા છનાલાલ જોશીનું નામ માર્ગ સાથે જોડીને આ એક શ્રદ્ધાંજલિ ઉપરાંત સ્મરણાંજલિનું મોટું કામ થયું છે, એ બદલ જોશી પરિવાર આપનો આભારી છે.
છનાલાલ જોશીના સાથીદાર તરીકે દાયકાઓ સુધી કામ કરનારા ધર્મેશભાઈ શાહે આ પ્રસંગે સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છનાલાલનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હતું. મોટા મોટા નેતાઓ પણ તેમને સન્માનની નજરથી જોતા હતા. જાહેરજીવન કે અંગત જીવનની કોઈ પણ સમસ્યા હોય, તેમની પાસે જઈએ એટલે તરત ઉકેલ મળી જતો. તેમની પાસે તમે દસ મિનિટ બેસો તોપણ એટલું હસાવે કે તમારો થાક અને ચિંતા આપોઆપ દૂર થઈ જાય.
આ પ્રસંગે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ પરીખ, અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર શાહ, સર્વે ધારાસભ્યશ્રીઓ, AMCના કમિશનર શ્રી લોચન સહેરા સહિતના AMC અને AUDAના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, છનાલાલ જોશી પરિવારના સભ્યો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.