અમદાવાદ જિલ્લામાં ટીટેનસ અને ડીપ્થેરીયા રસીકરણનો પ્રારંભ
અમદાવાદ જિલ્લાના 10 થી વધુની વયના 40 હજાર અને 16 થી વધુની વયના 38 હજાર બાળકોને ધનુર અને ડિપ્થેરીયાની રસી લગાવવામાં આવશે
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના બાળકોને ટિટેનસ અને ડિપ્થેરીયાના ચેપથી સુરક્ષિત કરવાના શુભ હિતાર્થે TD રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના 10 થી વધુની વયના 40 હજાર બાળકો અને 16 થી વધુની વયના 38 હજાર કિશોરોને ધનુર અને ડિપ્થેરીયાની TD રસી લગાડીને ચેપી રોગોથી સુરક્ષિત કરવામાં આવશે.
આજરોજ દસક્રોઇ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ દ્વારા જેતલપુર પ્રાથમિક શાળાથી TD રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના લાભાર્થી તમામ બાળકોને આ રસીકરણ અભિયાનનો લાભ મળે અને બાળકો TD રસીકરણથી ચેપી રોગો સામે સુરક્ષિત બને તેવા આશય સાથે જિલ્લા પંચાયત દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્લોસ્ટીરડીયમ ટીટેની નામના બેક્ટેરિયા જ્યારે વ્યક્તિના શરીરમાં પ્રવેશે અને ટીટેનોસ્પાસ્મીન નામનું ઝેર બનાવાની શરૂઆત કરે ત્યારે મહદઅંશે શરીરને નુકસાન પહોંચતું હોય છે. પરિણામે ટીટેનસની રસી થી આ પ્રકારના બેકટેરિયાથી રક્ષણ મળે છે.
ડીપ્થેરીયા એટલે ગળા કે અન્ય અંત:ત્વચા અથવા ચામડી પર લાગતો બેક્ટેરિયાનો ચેપ. કોરિનબેક્ટેર ડીપ્થેરી નામના બેક્ટેરિયા આ રોગ માટે જવાબદાર છે. આના સંક્રમણથી શરીરમાં ડીપ્થેરીયા ટોક્ષીન નામનો વાયરસ શરીરમાં પ્રવેશીને ધાતક અસરો શરૂ કરે છે. અગમચેતીના ભાગરૂપે લેવાયેલી ડીપ્થેરીયાની રસી આ પ્રકારના વાયરસથી રક્ષણ પ્રાપ્ત કરાવે છે.