લમ્પી સ્કીન ડિસીઝ અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે મુખ્યમંત્રી
આઇસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓના રખરખાવની વિગતો મેળવવા પ્રત્યક્ષ મુલાકાત લીધી – વેક્સિનેશન સેન્ટરની ગતિવિધિઓ નિહાળી
-ઃ કચ્છમાં ર.ર૬ લાખ પશુ રસીકરણ થયું :- બાકી રહેલા પશુઓ માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્રએ રોજના વીસ હજાર પશુઓને વેક્સિનેશનનો એક્શન પ્લાન ઘડયો છે
પશુપાલકોને પોતાના પશુધનનું વેક્સિનેશન કરાવી લેવા અને અસરગ્રસ્ત પશુઓને અલાયદા-આઇસોલેટ કરી દેવા મુખ્યમંત્રીશ્રીની અપીલ
જિલ્લાના ૧૦ તાલુકામાં મળી ર૬ આઇસોલેશન સેન્ટરમાં લમ્પી અસરગ્રસ્ત પશુઓની સાર-સંભાળ થાય છે -ઃ ૭૦૩ પશુઓ ભૂજના સેન્ટરમાં સારવાર હેઠળ :-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે કચ્છ જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરની ભૂજ ખાતે મુલાકાત લીધી હતી.
સમગ્ર જિલ્લામાં ૩૭૮૪૦ પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલાં છે. આવાં અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે.આ આઈસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર સંભાળ થઈ રહી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી.
કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી સવા બે લાખથી વધુ પશુધનનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં જે ૨૦ જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૬ હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છેજિલ્લા કક્ષાએ આ હેતુસર ૬ લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે.
પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ, ૭૧૩ પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં, રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને ૧૦૭ સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં કાર્યરત થયા છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ ૧૭૫ લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેક્સિન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. તેમણે ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડિસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું.
તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસીઝ સામે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સારવાર ઉપાયોની સમીક્ષા પણ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં કહ્યું કે, પશુપાલકો પોતાના પશુધનને આ રોગથી બચાવવા પશુ રસીકરણ કરાવે તે માટે જિલ્લા તંત્ર સતત પ્રચાર-પ્રસાર કરતું રહે.
એટલું જ નહિ, બિનવારસી પશુઓ જો રોગગ્રસ્ત હોય તો તેને આઇસોલેશન સેન્ટરમાં મુકવાની વ્યવસ્થા પણ કરવામાં આવે તે જરૂરી છે.
તેમણે જિલ્લાના પશુપાલકોને પણ અનુરોધ કર્યો કે, જો તેમના પશુને રોગ જણાય તો અન્ય સ્વસ્થ પશુઓથી અલગ કરી દે, અન્યથા આઇસોલેશન સેન્ટરમાં મુકી દે તો જ આ રોગચાળો વ્યાપકપણે ફેલાતો અટકાવી શકાશે.
આ બેઠકમાં જણાવવામાં આવ્યુંકે જિલ્લામાં ૫૮ જેટલી પશુચિકિત્સા એમ્બ્યુલન્સ સેવારત છે. જિલ્લાના ૯૬૪ ગામોમાંથી ૫૮૫ ગામોના પશુઓ આ રોગથી અસરગ્રસ્ત છે ૩૭ હજાર પશુઓ આ રોગનો ભોગ બન્યા છે. આ પૈકી ૩૪૬૭ કેસ જ એક્ટિવ કેસ છે. ૫૦ હજાર પશુઓને સારવાર આપવામાં આવેલી છે. એટલું જ નહીં,૨.૨૬ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં રોજ ૨૦ હજાર પશુઓનું રસીકરણ કરીને બાકી રહેલા ૩.૩૦ લાખ પશુઓનું સઘન રસીકરણ કરવાનો એક્શન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત વિગતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માએ આપી હતી.
આ હેતુસર જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી વેક્સિનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુલાકાતમાં કૃષિ કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી અને પશુપાલન નિયામક શ્રીમતી ફાલ્ગુનીબહેન વગેરે જોડાયાં હતાં.
આ બેઠકમાં કચ્છ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત ધારાસભ્યો,પદાધિકારીઓ,ડેરીના ચેરમેનશ્રી અને અગ્રણીઓ પણ જોડાયા હતા.