મધ્યપ્રદેશની જાંબુવા ગેંગ રેલવે ટ્રેકની બાજુમાં આવેલા વિસ્તારને જ ‘ટાર્ગેટ’ બનાવે છે !
રાજકોટ, મંગળવારે રાત્રે 2 વાગ્યા આસપાસ રાજકોટના અત્યંત પોશ ગણાતાં એવા અમીન માર્ગ પર આવેલી ચિત્રકૂટધામ સોસાયટીમાં રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં ધાડ પાડવા ઘૂસેલી મધ્યપ્રદેશના જાંબુવાની ધાડપાડુ ગેંગ અને એસઓજી વચ્ચે થયેલી અથડામણને કારણે આખા રાજ્યમાં સનસનાટી મચી જવા પામી હતી. Madhya Pradesh’s Jambuwa gang makes the area next to the railway track a ‘target’!
બીજી બાજુ પોલીસ સાથે બાખડનાર જાંબુવા ગેંગના છમાંથી ચાર આરોપીઓને પોલીસે દબોચી લીધા છે જ્યારે મુખ્ય સૂત્રધાર અને અન્ય એક લૂંટારું હથિયારો સાથે ફરાર થઈ ગયા હોય તેમને દબોચી લેવા માટે પોલીસે ઠેર-ઠેર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ધાડ પાડવાના ષડયંત્રમાં સામેલ દિલીપ વીરછીયા હઠીલા (રહે.જાંબવા)એ જ અન્ય લૂંટારુઓ દિનેશ, વિછયા ગોડીયા, ચકરા મેઘા, કલા દિતા ગોડીયા, કાળો કરણસિંહ હઠીલા અને હીમસંગને રાજકોટના અમીન માર્ગ પર આવેલી ચિત્રકૂટધામ સોસાયટીના રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં ધાડ પાડવા માટે કહ્યું હતું અને આ માટે તેણે અન્ય લૂંટારુઓને બંગલો બતાવ્યો પણ હતો. એકંદરે આ કાવતરામાં દિલીપ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે.
દિલીપની સાથે દાહોદનો હીમસંગ ત્રણ હથિયારો સાથે નાસી છૂટતાં અલગ-અલગ ટીમો બનાવી પોલીસનું સર્ચ ઓપરેશન
બીજી બાજુ ધાડ પાડવા આ ગેંગ જ્યારે બંગલામાં ઘૂસી ત્યારે જ એસઓજીએ પહોંચી જઈને તેમના કાવતરાને નાકામ બનાવીને ચાર આરોપીઓને પકડી લીધા હતા પરંતુ દિલીપ હઠીલા
અને હીમસંગ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ થઈ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ તમંચા સહિતના હથિયારો સાથે જ લાવ્યા હતા પરંતુ ચાર લોકો પકડાઈ જતાં દિલીપ અને હિમસંગ હથિયારો સાથે ફરાર થઈ જતાં તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ-લૂંટારુઓ વચ્ચેની અથડામણમાં એસઓજીના પીએસઆઈ ડી.બી.ઘેર ઘાયલ થઈ ગયા હતા જ્યારે લૂંટારુંગેંગના બે લોકો પણ ઘાયલ થઈ જતાં તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધાડ પાડવા માટે લૂંટારુઓને પકડવા માટે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તેમના ઉપર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આ વેળાએ પીએસઆઈ ડી.બી.ખેર હિંમત દાખવી લૂંટારુઓ સુધી પહોંચી ગયા હતા પરંતુ લૂંટારુઓએ તેમનું ગળું પકડી લેતાં ડી.બી.ખેરના સાથીકર્મી એવા એએસઆઈ રવિ વાંકે તેમને છોડાવવા માટે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને કારણે બે આરોપી ઘાયલ થઈ ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા મંગળવારે રાત્રે 2 વાગ્યાથી અમીન માર્ગ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં ધાડપાડુ ગેંગના કાવતરાને નિષ્ફળ બનાવવાનું ઓપરેશન પાર પાડી દેવામાં આવ્યું હતું. જો કે ધાડ પડવાની હોવાની બાતમી મંગળવારે રાત્રે 10 વાગ્યે જ મળી જતાં પોલીસે ત્યારથી જ ઘોડા દોડાવવાનું શરૂ કરી દીધું હતું.
છેક રાત્રે 2 વાગ્યે લૂંટારુઓનું લોકેશન અમીન માર્ગ પરનું બતાવતાં પોલીસે તાત્કાલિક દોડી જઈ લૂંટને નિષ્ફળ બનાવી હતી. જો કે આ લૂંટના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે પોલીસને ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી. એકંદરે 36 કલાક બાદ પોલીસ સ્ટાફે ઉંઘ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લૂંટ, ધાડ, હત્યા માટે અત્યંત કુખ્યાત એવી મધ્યપ્રદેશની જાંબુવા ગેંગ ક્યારેય કોઈ શહેરમાં પોશ કે પછાત ગણીને કોઈ વિસ્તારને ટાર્ગેટ બનાવતી નથી. તેના ટાર્ગેટ ઉપર સૌથી વધુ રેલવે ટ્રેકની બાજુમાં આવેલો જ વિસ્તાર હોય છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે લૂંટમાં કોઈ અડચણ આવે તો તેને પહોંચી વળવા માટે જે ધારદાર પથ્થરો મળે છે તે રેલવે ટ્રેક ઉપરથી જ મળતાં હોય આ ગેંગ ખાલી કોથળા સાથે રેલવે ટ્રેક ઉપર જાય છે અને ત્યાંથી અણીદાર પથ્થરો ભરીને જે તે વિસ્તારમાં ધાડ પાડવા માટે ઉતરી પડે છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ-રાજકોટના જવાનોએ જે રીતે જીવની પરવા કર્યા વગર જાંબુવા ગેંગના ધાડ પાડવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે તેના કારણે રાજકોટવાસીઓ તો તેમના ઉપર શુભેચ્છાના ફૂલ વરસાવી જ રહ્યા છે સાથે સાથે રાજ્યસ્તરે પણ તેની નોંધ લેવામાં આવી છે. એસઓજીના આ દિલધડક ઓપરેશનને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસે પણ અદ્ભુત બોધ મળશે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવી શકે છે.