Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના આદરોડાથી ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવની થશે શરૂઆત

પ્રતિકાત્મક

ક્લસ્ટર એરિયાના 25 એકર વિસ્તારમાં ડાંગરના વાવેતર પર છંટકાવ કરવામાં આવશે

યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો ‘આઈ ખેડૂત પોર્ટલ’ !મારફતે 26 ઓગષ્ટ સુધીમાં કરાવી શકશે નોંધણી.

વર્ષ 2022-23માં કૃષિ ક્ષેત્રે અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અધ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરવાનું નક્કી કરવામાં આવ્યું.

વિશ્વનું પ્રથમ નેનો યુરિયા ખાતર ઇફકો સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ નેનો યુરીયાના ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર માટે અધ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી છંટકાવથી અસરકારકતા પણ વધુ મેળવી શકાય તે માટે 100% રાજય પુરુસ્કૃત યોજના અમલમાં મૂકવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ રાજય પુરુસ્કૃત યોજનાનું લોંચિંગ કાર્યક્રમ તા. 05-08-2022 ના રોજ ગાંધીનગર જિલ્લાના ઇસનપુર ગામેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.

જિલ્લા સ્તરેથી આ યોજનાની શરૂઆત બાવળા તાલુકાના મોડલ ગામ એવા આદરોડથી થશે. તા.05-08-2022ના આ યોજનાનો શુભારંભ જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં થશે.

આ કાર્યક્રમમાં આદરોડા ગામના ગ્રામજનો, ખેડૂત ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહેશે. આદરોડા ગામના 25 એકરના વિસ્તારમાં ડાંગર પાકના થયેલ વાવેતરમાં ડ્રોન થકી નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવશે.

ડ્રોન ટેકનોલોજી થકી કૃષિના અગત્યના કામો જેવા કે ખાતર, દવા નો છંટકાવ કરી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. પાણી, ખાતર અને દવાનો બચાવ કરી અસરકારક પરિણામ મેળવી શકાય તે બાબતનું નિદર્શન ખેડૂતોમાં દર્શાવવામાં આવશે.

આ યોજનાનો લાભ ઇચ્છતા ખેડૂતો માટે કૃષિ વિભાગના આઇ ખેડુત પોર્ટલ પર તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં ખેડૂતોને અરજીઓ કરવા જણાવવામાં આવે છે.

આ યોજના અન્વયે ખેડૂતોને નેનો યુરીયા/પાક સંરક્ષણ રસાયણ/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતર ના છંટકાવ માટે છંટકાવની મજુરી માટે કુલ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. નેનો યુરીયા/પાક સંરક્ષણ રસાયણ/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતર માટે નો ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેશે/જાતે ખરીદી કરવાની રહેશે.

આ યોજનામાં એક ખેડૂતને ખાતાની જમીન ધારકતાની મર્યાદામાં વધુમાં વધુ ૫ એકર અથવા ૧ એકરમાં વધુમાં વધુ ૫ સ્પ્રેની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. સહાય ફક્ત ડ્રોનથી છંટકાવ માટે મજુરી/ભાડુ માટે રહેશે,

ઇનપુટનો ખર્ચ ખેડૂતે જાતે ભોગવવાનો રહેશે. એટલે કે ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૧૨,૫૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.