ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડની વારંવાર રજૂઆત છતાં પણ ફાળવણી નહીં થતા ધરણા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ -અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં રોજ વધારો જાેવા મળી રહ્યો છે.જેની સામે શહેરના મુખ્ય માર્ગો સાંકળા હોવા સાથે વાંહ ચાલકો દ્વારા આડેધડ પાર્કિગના કારણે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા વાહન ચાલકો સહિત રિક્ષાઓને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેમાં ભરૂચ શહેરના મુખ્ય માર્ગો રેલ્વે સ્ટેશન, પાંચબત્તી, મોહંમદપુરા,શક્તિનાથ સહિતન માર્ગો પર રીક્ષા ચાલકો રોજી મેળવા રિક્ષા ઊભી રાખી પેસેન્જરોને બેસાડતા ઘણી વખત રિક્ષાચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે.
ત્યારે જય ભારત રિક્ષા એસોશીએશન દ્વારા પાલિકામાં વારંવાર રિક્ષા સ્ટેન્ડની માંગણી માટે રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ નહિ ફાળવવામાં આવતા છેલ્લે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.જેમાં નિરાકરણ કરવાની બાહેંધરી પણ આપવામાં આવ્યા બાદ પણ કોઈ નિરાકરણ નહિ આવતા અંતે રેલ્વે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરી ધરણા શરૂ કર્યા હતા.
જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ મિર્ઝાએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ૮૨ જેટલા ઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી
પરિણામે ગરીબ ઓટો રિક્ષાચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે પાર્કિંગ બાબતે વારંવાર ઘર્ષણના દ્રશ્ય સર્જાતાં હોય છે.જેનું મુખ્ય કારણ નગરપાલિકા દ્વારા રિક્ષાચાલકો માટે સ્ટેન્ડ ન ફાળવાતા રીક્ષા ચાલકોની હાલત જાયે તો કહા જાયે જેવી થઈ છે.
ત્યારે પોલીસ તંત્ર પણ ઈકો ગાડીઓ અને સિટી બસ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ છે નહીં તો રિક્ષાચાલકો હવે આંદોલનનો માર્ગ અપનાવી આગામી દિવસોમાં હડતાળ ઉપર ઉતરશે જેથી વહેલી તકે રિક્ષાચાલકોને સ્ટેન્ડની ફાળવણી કરવાની માંગ જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.