કાસોર ગામમાં ઝાડાના કેસો સંદર્ભે આરોગ્ય વિભાગની સઘન કામગીરી
કાસોરના પ્રત્યેક ઘરોનો સર્વે કરી ૧૨૦૦ જેટલી ક્લોરીન ટેબ્લેટ અને ૩૧૪ જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરાયું
૪ દર્દીઓને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા જયારે ૬ દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી
આણંદ, આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ તાલુકાના કાસોર ગામમાં તા. ૩ ઓગસ્ટને બુધવારની રાત્રે ઝાડાના કેસો ધ્યાને આવતાની સાથે જ જિલ્લાના એપેડેમિક ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર,
આણંદ અને મેડિકલ ઓફિસર, અજરપુરા ટીમ સહિત કુલ ૭ ટીમો જરૂરી દવાઓ સાથે કાસોર ગામે પહોંચી ગઈ હતી, અને ૧,૧૦૫ ઘરોની અંદાજિત ૫,૨૩૦ ની વસ્તી ધરાવતાં આ કાસોર ગામના પ્રત્યેક ઘરે ફરીને ઘરનો સર્વે હાથ ધરતા આ ગામમાં ઝાડાના કુલ ૧૦ કેસો મળી આવ્યા હતા. જે પૈકી ૪ દર્દીઓને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૬ દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
આરોગ્યની ટીમો દ્વારા હાથ ધરાયેલ તાત્કાલિક સર્વેની કામગીરીમાં ગામમાં પીવાના પાણીની ૨ પાઇપલાઈનમાં લીકેજ જોવા મળ્યું હતું. જેને ધ્યાને લઈ આરોગ્ય ટીમો દ્વારા ગામમાં કુલ ૧૨૦૦ જેટલી ક્લોરીન ટેબ્લેટ અને ૩૧૪ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.