દેવભૂમિ દ્વારકાની મુલાકાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા તેઓ તથા તેમના ધર્મપત્ની ઉષાબેન સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે પાદુકા પૂજન કરાવામાં આવ્યું હતું તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી બાદમાં દેવકીજીના મંદિરના દર્શન કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી-મકનપુર દ્વારા અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય-આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફીસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, એસીપી નિતેશ પાંડે, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, વિજયભાઈબુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું તે બાદ દ્વારકા ખાતે પહોંચી નાગેશ્ર્વર અને દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. આ બાદ તેઓ બપોરે પોરબંદર ખાતે પહોંચી કીર્તિ મંદિરના દર્શન કરશે. બપોર બાદ તેઓ સોમનાથ પહોંચશે. સોમનાથ મંદિરે દર્શન બાદ ભાલકા તીર્થના દર્શન કરવાના છે.
તે બાદ ઉપરાષ્ટ્રપતિ સાંજે રાજકોટથી દિલ્હી પરત રવાના થવાના છે. દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જતા પહેલા પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર ડો. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.