1200 થી વધારે જેલ અધિકારી અને કર્મચારીઓ ખેલાડી તરીકે ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન મીટ-2022’માં ભાગ લેશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે સપ્ટેમ્બર-2022માં ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’ યોજાશે
અમદાવાદમાં તા. 4થી 6 સપ્ટેમ્બર, 2022 સુધી ત્રિ-દિવસીય ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન મીટ-2022’નું આયોજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે સપ્ટેમ્બર-2022માં ૬ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ – 2022’નું આયોજન કરવામાં આવ્યું છે. આ 6ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ -2022 તારીખ 4થી 6 સપ્ટેમ્બર 2022 દરમ્યાન અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે યોજાશે.
4થી સપ્ટેમ્બરના રોજ ઓપનિંગ સેરેમનીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આ મીટનું ઉદ્ઘાટન કરાશે. આ મીટમાં સમગ્ર દેશની જેલોના અંદાજિત 1200થી વધુ જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ 12થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ 6ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ -2022 બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ(BPR&D)ના સહયોગથી યોજાઇ રહી છે.
આ અંગેની વધુ વિગતો આપતા જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક શ્રી ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022’ એ 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહી છે. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું.
આ વખતે આ રાષ્ટ્રીય કક્ષાની મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022નો પ્રારંભ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે કરવામાં આવશે.
‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’માં આયોજિત થનારી સ્પર્ધાઓ અંગેની વાત કરતા શ્રી ડો. કે.એલ.એન. રાવે કહ્યું કે, આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન,
પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ 100 મીટર મેન એન્ડ વિમેન, 400 મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યનો ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બનશે.
અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 5 ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ યોજાઇ :
ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 5 ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ યોજાઇ ચૂકી છે. વર્ષ 2002માં તમિલનાડું, ત્યારબાદ વર્ષ 2007માં ગુજરાત, વર્ષ 2010માં ઓડિશા, વર્ષ 2012માં આંધ્રપ્રદેશ અને વર્ષ 2016માં તેલાંગણા અને હવે વર્ષ 2022માં ફરીએકવાર ગુજરાતમાં યોજાવા જઇ રહી છે.
વર્ષ 2007માં અમદાવાદમાં ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી યોજાઇ હતી :
વર્ષ 2007માં ગુજરાતના અમદાવાદવામાં ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન થયું હતું ત્યારે અંદાજિત આઠ રાજ્યના 194 પ્રિઝન ઓફિસર (સરકારી અને એન.જી.ઓ)ના કર્મચારીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં આયોજિત પ્રિઝન ડ્યુટી મીટમાં આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટકા, મધ્ય પ્રદેશ, મહરાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડું અને ગુજરાત રાજ્યના કર્મચારીઓ જોડાયા હતા.