સોજિત્રામાં ૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળનું આધુનિક નવીન કોર્ટ ભવન ખુલ્લું મુકાયું
લોકોને ઝડપી,સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે- ન્યાયમૂર્તિ શ્રી બી.એ.વૈષ્ણવ
આણંદ- આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ. ૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળના અદ્યતન સુવિધાસભર ન્યાયમંદિરનું ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ અને આણંદ જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજશ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કચેરી, આણંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ બે માળનું આધુનિક કોર્ટ સંકુલ જોઈને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી બી.એ વૈષ્ણવે સરસ મજાનું સુંદર મકાન બનાવીને કોર્ટને સોંપવા બદલ પોતાની લાગણી વ્યક્ત કરી આભાર માન્યો હતો.
સોજીત્રા ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન કરતા આનંદની લાગણી વ્યકત કરતા ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી બી. એ. વૈષ્ણવે જણાવ્યું કે લોકોને ઝડપી, સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે. વકીલો વગર ન્યાય મંદિર અધુરૂ છે જેથી વકીલોએ કેસ ચલાવતા જજશ્રીઓને કેસના ઝડપી ન્યાય માટે મદદરૂપ બનવું પડશે.
આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો, પુરુષ વકીલોને બેસવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. સોજીત્રા તાલુકાના જે લોકો ન્યાય મેળવવા માટે આવે છે. તેમને ન્યાય મંદિરનું નવું મકાન બનવાથી ફાયદો થશે કારણકે હાઇટેક ફેસેલીટી ધરાવતું આ બિલ્ડીંગમાં વીડીયો કોન્ફરન્સીંગની પણ સુવિધા છે. જે ઘણી વાર ઉપયોગી બને છે.
ન્યાયમૂર્તિ શ્રી બી. એ. વૈષ્ણવે બે મજલાના ન્યાયમંદિરના મકાનમાં દરેક રૂમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જ્જશ્રી વી. બી. ગોહિલ, સોજિત્રા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી ટી.પી. શાહ તથા જિલ્લાની તમામ કોર્ટના જજ શ્રીઓ, જિલ્લાની તમામ કોર્ટના સરકારી વકીલ શ્રીઓ, જિલ્લાની તમામ કોર્ટના બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.
ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રી અને સોજિત્રા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ન્યાય મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સોજીત્રા બાર એસોસિએશનના વકીલોએ સોજીત્રાને આધુનિક ન્યાય મંદિરનું બિલ્ડીંગ મળવાથી તેમણે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં સોજિત્રા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી ટી.પી. શાહે સૌનો આવકાર કરી જણાવ્યું હતું કે સોજીત્રા ખાતે વર્ષ ૨૦૧૩ માં કોર્ટ કાર્યરત થઈ હતી. તે આજે બે માળની આધુનિક સુવિધા સાથેનું ન્યાય મંદિર બન્યું છે ત્યારે ન્યાયપાલિકાને બેસવા માટેની સારી સગવડ સાથેનું મકાન મળતા આનંદની લાગણી અનુભવું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર – ૨૦૧૯ માં આ કોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોજીત્રા ખાતે તૈયાર થયેલ બે માળના નવીન ન્યાય મંદિરના મકાનમાં બે કોર્ટ રૂમ, જજશ્રી ઓ માટે બે ચેમ્બર, મહિલા અને પુરુષ વકીલ બાર માટે અલાયદા રૂમ, પક્ષકારો માટે વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દા માલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાઇલીંગ સેન્ટર,
સ્ટ્રોંગ સેન્ટર રૂમ, સી.સી. ટીવી કેમેરા, રજીસ્ટાર રૂમ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સરકારી વકીલની રૂમ, વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા, જજીસ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા, મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, કેન્ટીન ફેસીલીટી, વિડિયો કોન્ફરન્સની સુવિધા,
સ્ટેશનરી રૂમ, ઝેરોક્ષ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઇન્કવાયરી રૂમ, બાર લાઇબ્રેરી રૂમ, નાઝીર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સાઇબર રૂમ, બેન્ચ ક્લાર્ક રૂમ ઉપરાંત પોસ્ટ અને બેંક સાથેની ફેસિલિટી સાથેનું બે માળનું અત્યંત મકાન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આણંદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જ્જશ્રી વી. બી. ગોહિલ, જિલ્લાની તમામ કોર્ટના જજશ્રીઓ, જિલ્લાની તમામ કોર્ટના સરકારી વકીલો, જિલ્લાની તમામ કોર્ટના બાર એસોસિએશનના હોદ્દેદારો, ન્યાયપાલિકાના કર્મચારીગણ અને નગરજનો હાજર રહ્યા હતા.