અમદાવાદની આ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને મળી રહયો છે સ્માર્ટ શાળાનો લાભ
મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓએ એક લાખ તિરંગાનું નિરૂપણ કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશભરમાં આઝાદી ના ૭પ વર્ષની ભવ્ય ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત વડાપ્રધાન મોદી એ હર ઘર તિરંગાની જાહેરાત કરી છે. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા સોમવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં રેકોર્ડ બ્રેક તિરંગાનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. જયારે રાયપુર વિસ્તારના કંટોડિયાવાસની બિસ્માર સ્કુલના બાળકોને અનુપમ શાળાનો લાભ મળી રહયો હોવાના દાવા સ્કુલ બોર્ડ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી લબધીરભાઈ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪પ૯ શાળાઓમાં ધો.૪ થી ૮ ના દરેક વિદ્યાર્થીઓ હર ઘર તિરંગા થીમ પર ચિત્ર સ્પર્ધામાં સહભાગી થયા હતા
અને એક જ દિવસમાં એક લાખ કરતા વધુ રાષ્ટ્ર ધ્વજનું નિરૂપણ કર્યું હતું. રાયપુર વિસ્તારની કંતોડીયા વાસ શાળા અંગે પ્રશ્ન પુછતા તેમણે જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની કાંકરિયા શાળા નં.૪ એ કાંતોડીયા વાસ, કાંકરીયામાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને એટલે કે ધો.૧ થી ૮ની ૮૪ સંખ્યાને
કારણે આ શાળાને નજીકમાં પ૦૦ મીટરના અંતરે આવેલ કાંકરિયા શા.નં.૧ વેદમંદિર પાસે કે જેને અનુપમ (સ્માર્ટ) શાળા તરીકે વિકસાવવામાં આવી રહી છે. તેમાં આ બાળકોને હાલ અનુપમ (સ્માર્ટ) શાળાનો લાભ મળી રહ્યો છે જેના કારણે વાલીઓમાં ખુશીનો માહોલ છે.
છેલ્લા ઘણા વર્ષોથી વાલીઓનું આ વિસ્તારમાંથી ધંધાર્થે સ્થળાંતર થયેલ હોવાથી આની અસર શાળા પર પણ પડી હતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી વાલીઓ પરત થતાં હાલ કાંકરીયા શાળા નં.૪માં આંગણવાડીના ૧૦૪ જેટલા બાળકોના અભ્યાસની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરેલ છે.
આ બાળકોને આવતા શૈક્ષણિક સત્રથી ધો.૧ થી અંગ્રેજી માધ્યમ અથવા ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની વ્યવસ્થાઓ મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા કરવામાં આવશે. વાલીઓ સાથે પરામર્શ કરી ખાસ કરીને આ વિસ્તારના બાળકોને સ્માર્ટ એજયુકેશનનો લાભ મળે તે માટે અનુપમ (સ્માર્ટ) શાળા તરીકે વિકસાવવામાં આવશે.
અંગેની જાહેરાત થતાં વાલીઓમાં ખુશીનો માહોલ છે. આ સાથે વિશેષમાં નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશનની ઘણી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ સાથે અનુપમ (સ્માર્ટ) શાળાઓ બની રહી છે. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.