અમરાઈવાડીમાં દહેજ માટે મહિલાને હત્યાની ધમકી
અમદાવાદ : મહિલાઓ સાથે ખરાબ વર્તન અને મારઝુડ કરી દહેજ માંગવાની ઘટનાઓ આજકાલ વધુ પ્રમાણમાં બહાર આવી રહી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ પણ પોતાનાં પતિ તથા સાસરીયાઓ વિરુદ્ધ ઢોર માર મારી દહેજ લાવવા માટેનું દબાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપવાની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી છે. પરીણીતા પાસેથી ફોટા કાગળો પર તથા કોરા ચેકો ઊપર પણ પતિએ સહીઓ લીધી હતી.
સ્નેહલતાબેનનાં લગ્ન કેટલાંક વર્ષ અગાઊ સંદીપ રઘુનંદન ગુપ્તા સાથે થયા હતા. અમરાઈવાડી સીટીએમ ખાતે આવેલ પરીશ્રમ પાર્ક સોસાયટીમાં રહેતાં સંદીપભાઈ તથા તેમનાં પરીવારે શરૂઆતમાં સ્નેહલતા બહેનને સારી રીતે રાખ્યા હતા.
જાકે બાદ તેમણે નાની બાબતોએ તકરાર કરવાનું શરૂ કર્યું હતું. અને સ્નેહલતા બહેન સાથે ઝઘડા શરૂ કર્યા હતાં. આ ઘટનાઓ બાદ સંદીપભાઈ તેનાં માતા-પિતા તથા ભાઈ-ભાભીએ સ્નેહલતાબેન પાસે રૂપિયા તથા ઘરેણાંની માંગણીઓ કરી હતી.
પોતાનો ઘર સંસાર ટકાવી રાખવા માટે સ્નેહલતાબેન વધુ સહન કરતાં હતા. દરમિયાન તેમને એક પુત્રી જન્મી હતી. તેમ છતાં સાસરીયાઓનો સ્વભાવ બદલાયો નહતો. ટ્રાન્સપોર્ટને લગતું કામ કરતાં સંદીપભાઈએ તેમને ઘરમાંથી પણ કાઢી મુક્યા હતાં. ત્યારબાદ તેમને દહેજ ન લાવે તો રાતનાં સમયે સળગાવી નાંખવાની ધમકીઓ આપતા સ્નેહલતાબેન ગભરાઈ ગયા હતા.
વારંવાર પરેશાન કરતાં સાસરીયાઓ વિરુદ્ધ તેમણે ફરીયાદ કરતાં તેમને કેસ પાછો ખેંચી લેવા પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેના પગલે સ્નેહલતાબેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પતિ સંદીપ તેના માતા-પિતા તથા ભાઈ-ભાભી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.