મોદી સરકાર Toll Tax વસૂલવા લાવશે નવી સિસ્ટમ
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર જીપીએસ સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ ટેકનોલોજીના કારણે ફાસ્ટેગ નાબૂદ થઈ જશે તેવું માનવામાં આવે છે. અત્યારે સેટેલાઈટના આધારે ટોલ કલેક્શન સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટમાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
વર્તમાન સમયે ટોલટેક્સ ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવે છે. ફાસ્ટેગમાં રિચાર્જ કરાવવું પડે છે અને તે કારના કાચ પર લગાવવામાં આવે છે. વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય એટલે તરત જ પ્લાઝામાં લાગેલા રીડર ફાસ્ટેગમાંથી પૈસા કાપી લે છે.
જાેકે, હવે નવી સિસ્ટમમાં જીપીએસ સેટેલાઇટ ટેક્નોલોજીના આધારે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે. તમે જેટલી મુસાફરી કરો તેટલો જ ટોલ ટેક્સ તમારી પાસેથી લેવામાં આવશે. હાલના નિયમમાં ટોલ ટેક્સની ગણતરી માટે હાઇવેના અંતર એટલે કે સ્ટ્રેચના અંતર મુજબ થાય છે. તે સામાન્ય રીતે ૬૦ કિ.મી. હોય છે અને જાે અંતર વધુ કે ઓછું હોય તો તે મુજબ કરમાં પણ ફેરફાર કરવામાં આવે છે.
૬૦ કિ.મી.ને સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. રસ્તા પર બ્રિજ, પુલ કે ઓવરબ્રિજ વગેરે હોય તો તેનો ટોલ બદલાઈ જાય છે. કેન્દ્ર સરકાર દેશમાંથી તમામ ટોલ પ્લાઝા હટાવી દેવાની વિચારણા કરી રહી છે. આ માટે કામ પણ ચાલી રહ્યું છે.
નવી પદ્ધતિ અંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ટોલ બૂથની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. હાઇવે અથવા એક્સપ્રેસ વે પર દોડતા વાહનો પાસેથી જીપીએસ ઇમેજિંગની મદદથી ટોલ ટેક્સ લેવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જીપીએસ આધારિત ટોલટેક્સ કલેક્શનની સિસ્ટમ ઘણા યુરોપિયન દેશોમાં પહેલેથી જ અમલમાં છે અને તેની સફળતા જાેતાં આ સિસ્ટમ ભારતમાં પણ લાગુ કરવામાં આવશે. નવી ટેકનોલોજીમાં વાહન જેટલું અંતર કાપશે તે મુજબ ટોલ વસૂલવામાં આવશે.
આ માટે બે ટેકનોલોજી પર કામ થઇ રહ્યું છે. પહેલી ટેક્નોલોજીમાં વાહનમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હશે, જે હાઇવે પર સેટેલાઇટ દ્વારા વાહન માલિકના બેંક ખાતામાંથી સીધો ટોલ ટેક્સ કાપવામાં મદદ કરશે. બીજી તકનીક નંબર પ્લેટો દ્વારા ટોલ વસૂલવાની છે.
નંબર પ્લેટમાં ટોલ માટે કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ હશે. જે સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલવામાં મદદ કરશે. આ ટેકનોલોજીમાં વાહન હાઇવે પર જે સ્થળેથી પ્રવેશ કરશે તે પોઇન્ટ પર જાણકારી નોંધવામાં આવશે. આ પછી હાઇવે પરથી વાહન કયાંથી બહાર જશે તે પોઇન્ટ પણ રેકોર્ડ થઇ જશે. આ દરમિયાન હાઇવે પર ચાલતા વાહનના કિલોમીટરના હિસાબે વાહન માલિકના બેંક ખાતામાંથી ટોલ કપાઇ જશે.SS1MS