Western Times News

Gujarati News

કપરાડામાં પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ) વલસાડ, આદિવાસીઓની પડખે સદા, સર્વદા રહેનાર ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા તરીકે ગણાતા કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે

કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં થઈ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વનબંધુઓએ ભગવાન બિરસા મુંડાની જય જયકાર, એક તીર, એક કમાન આદિવાસીઓ એક સમાન અને જય આદિવાસીના નારા લગાવતા સમગ્ર માહોલ ગુંજી ઉઠ્‌યો હતો.

વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી રાજયકક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આજે આપણને સૌને આદિવાસી હોવાનો ગર્વ થાય છે. દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે પણ પ્રથમવાર આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ બિરાજમાન થયા છે, જે સમસ્ત આદિવાસીઓ માટે ગૌરવની વાત છે.

ગુજરાતમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. બે દાયકામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત સરકારે રસ્તાથી માંડીને સિંચાઇ, આરોગ્ય, વીજળી અને વાહનવ્યવહારની સુવિધા અંતરિયાળ વિસ્તારોમાં ઉપલબ્ધ કરતા આદિવાસી સમાજનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે.

આપણા સમાજની નવી પેઢીને શિક્ષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે, તો જ સમાજ આગળ વધશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ દ્વારા આદિવાસીઓના વિકાસ માટે અનેક ર્નિણયો લેવાયા છે. સરકાર તમામ સુવિધા આપવા માટે કટિબધ્ધ છે. સરકારની યોજનાથી આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છે.

મોબાઈલ કનેક્ટિવીટી આપણા વિસ્તારમાં ન હતી તો તેની પણ મુખ્યમંત્રીશ્રીએ ચિંતા કરી નેટવર્ક પુરુ પાડ્યું. સમગ્ર બોર્ડર વિસ્તારમાં રહેતા રહેતા આદિવાસી બાંધવો ઘર બેઠા રોજગારી મેળવી શકે તે માટે સ્કીલ બેઝડ તાલીમ અપાઈ રહી છે. ભણેલા ગણેલાને તો રોજગારી મળે પરંતુ જે અશિક્ષિત હોય તેને પણ તાલીમ આપવાથી તે પણ રોજગારી મેળવી શકે છે.

વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉતે કહ્યું કે, આપણે આપણી પરંપરા ભૂલી રહ્યા છે, આપણા વડીલો, પૂર્વજાે જે સંસ્કૃતિ, રીત રિવાજ અને પરંપરા વારસામાં મુકી ગયા છે તેને આપણે જાળવી રાખવાની છે.

બિરસા મુંડાને આપણે ભગવાના માનીએ છીએ, આઝાદીની લડતમાં તેમણે એકદમ નાની ઉંમરમાં અંગ્રેજાેને ધૂળ ચટાડ્યું હતું. આપણા ૧૫૦૦ આદિવાસી બાંધવો પ્રબળ રાષ્ટ્રભાવના માટે અંગ્રેજાે સામેની લડતમાં શહીદ થયા હતા. આજનો આ દિવસ તેમની શહીદીને યાદ કરવાનો છે.

ડો. બાબા સાહેબ આંબેડરે સંવિધાનમાં આદિવાસી સમાજ માટે વિશેષ જાેગવાઈ કરી હતી. જેના થકી આપણે અન્ય સમાજની હરોળમાં આવી શક્યા છે. એ જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આપણા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ માટે ક્રાંતિ સર્જી છે.

આદિવાસીઓને જમીનના અધિકાર પણ આપ્યા છે. કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી જીતુભાઈ અને મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને રૂ. ૭૦૧.૯૯ લાખની સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.