ગ્રાહક બનીને આવેલો ગઠિયો 12 લાખના દાગીના ભરેલી બેગ ઉઠાવી ગયો
સોની રાતે દુકાન બંધ કરતા હતા ત્યારે ગઠિયો ગ્રાહક બનીને આવ્યો હતોઃ દુકાન બંધ કરતા સમયે સોની તમામ દાગીના પોતાના ઘરે લઇ જાય છે
અમદાવાદ, શહેરના નવા નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલો ગઠિયો ૧૨ લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ લઇને નાસી જતાં ચકચાર મચી ગઈ છે. સોની જ્યારે દુકાન બંધ કરતા હતા ત્યારે યુવક ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં દાગીના ભરેલી બેગ લઇને પલાયન થઇ ગયો હતો. દાગીના ભરેલી બેગ લઇને ગઠિયો બાઇક પાસે ઊભેલા તેના સાગરીત પાસે પહોંચી ગયો હતો.
નવા નરોડા વિસ્તારમાં આવેલા ડાહ્યાલાલપાર્કમાં રહેતા ૫૪ વર્ષીય મહેશભાઈ વ્યાસે ૧૨ લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં કરી છે. મહેશભાઈ વ્યાસની નવા નરોડા ખાતે આઈ શ્રી ખોડિયાર જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે.
મહેશભાઈ રોજ સવારે પોતાના ઘરેથી દાગીના લઈને દુકાન જતા હતા અને બપોરે એક વાગ્યે દુકાન બંધ કરીને પોતાના દાગીના લઈને જતા હતા. બપોરે ઘરે આરામ કર્યા બાદ ફરી પાંચ વાગ્યે મહેશભાઈ પોતાની દુકાને દાગીના લઈને પહોંચી જતા હતા અને રાતના નવ વાગ્યે પરત તેમના ઘરે દાગીના લઈ જતા હતા.
મહેશભાઈનો આ નિત્યક્રમ હતો અને છેલ્લા ૧૫ દિવસથી તેમના કોઈ દાગીનાનું વેચાણ થયું હતું નહીં. સોમવારે મહેશભાઈએ ૧૨ લાખ રૂપિયાના દાગીના એક બેગમાં ભર્યા હતા અને તેમાં ૩૫ હજાર રોકડા મૂકીને તેઓ ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે એક યુવક ગ્રાહક બનીને આવ્યો હતો.
મહેશભાઈએ દાગીના ભરેલી બેગ કાઉન્ટર ઉપર મૂકી હતી અને તેમણે યુવકને કહ્યું હતું કે વસ્તી કરવાનો સમય થઇ ગયો છે. આવતી કાલે આવજાે. મહેશભાઈ કંઈ વિચારે તે પહેલાં યુવક દાગીના ભરેલી બેગ લઇને ભાગી ગયો હતો. મહેશભાઈ તેની પાછળ દોડીને જાેયું તો બહાર એક યુવક બાઈક લઈને તૈયાર ઊભો હતો.
દાગીના લઇને ભાગેલો યુવક બાઈક પર બેસીને નાસી જતાં મહેશભાઈ તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. ઘટનાની જાણ નરોડા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, જ્યારે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.