૮ જિલ્લાના ૧૬૦૦ લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ માટે ડેરીઓ સહાય કરશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોબરધન યોજના અન્વયે સહકારી ડેરી સંઘોને કુલ રૂ. ૧ કરોડની રકમના ચેક વિતરણ કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોબરધન યોજના અન્વયે રાજ્ય સરકાર સાથે સહભાગી થયેલા સહકારી ડેરી સંઘોને પ્રથમ હપ્તા પેટે કુલ ૧ કરોડ રૂપિયાની રકમના ચેક વિતરણ કર્યા હતા.
આ સહકારી દૂધ સંઘોમાં અમૂલ,સાબર,બનાસ અને દૂધ સાગર ડેરીઓનો સમાવેશ થાય છે.
આ સહકારી દૂધ સંઘો પોતાના સભાસદોને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે લાભાર્થી દીઠ ૨૫૦૦૦ રૂપિયાની સહાય આ ભંડોળમાંથી આપે છે અને લાભાર્થીઓને ૫૦૦૦ રૂપિયાનું યોગદાન આપવાનું રહે છે
આ દૂધ ઉત્પાદક સહકારી સંઘો દ્વારા ૨૦૦ સભાસદોના ક્લસ્ટર બનાવી ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. એન.ડી.ડી.બી દ્વારા આવો ગોબરધન પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલો છે તેના લાભાર્થીઓએ પોતાના ફાળાના લોક ફાળો રૂપે ૫૦૦૦ રૂપિયાના ચેક પ્રતિકરૂપે એન.ડી.ડી.બી ને આપ્યા હતા.
આ ગોબરધન પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કરવામાં આવેલો છે.
રાજ્યના ૮ જિલ્લામાં ૧૬૦૦ લાભાર્થીઓને આ ગોબરધન પ્રોજેક્ટ માટે વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ માટે આ ચાર દૂધ સંઘો સહાયરૂપ થશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સહકારી દૂધ ઉત્પાદક સંઘો સાબર ડેરી,અમૂલ ડેરી, બનાસ ડેરી અને દૂધ સાગર ડેરીઓના ચેરમેન,વાઈસ ચેરમેન અને પદાધિકારીઓને આ ચેક અર્પણ કર્યા હતા
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુન સિંહ,રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા,મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,ગ્રામ વિકાસ અગ્ર સચિવ શ્રીમતી સોનલ મિશ્રા અને મુખ્ય અમલીકરણ એજન્સીઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ સાથે બી.બી.ઇ.એલ ના શ્રી ભરત પટેલને પણ આ પ્રોજેક્ટ અન્વયે ૬૨.૫૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.