ખેડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ યોજાયો
રાજ્યકક્ષાના સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ૭૩મા વન મહોત્સવની ઉજવણી
પ્રકૃતિ સાથેના સહજીવનને ભારતીય સંસ્કૃતિની આધારશિલા ગણાવતા મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
વૃક્ષારોપણ, વૃક્ષ રથના પ્રસ્થાન તથા તિરંગા રેલી સાથે ઉજવાયો વન મહોત્સવ – ૨૦૨૨
સામજિક વનીકરણ વિભાગ, નડીઆદ દ્વારા આયોજિત, કેન્દ્રીય સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ-૨૦૨૨ વૃક્ષારોપણ કાર્યક્રમ એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ ખેડા ખાતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા મામલતદાર કચેરી થી એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ સુધી તિરંગા રેલી યોજવામાં આવી અને વુક્ષરોપણ કરી એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલથી વૃક્ષ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, માતર ધારાસભ્ય સહિતના અઘિકારીઓ, પદાધિકારીઓ, અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન, રાજ્યકક્ષાના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે.
આપણી સંસ્કતિમાં છોડમાં રણછોડની અનુભૂતિ છે અને વૃક્ષ નીચે બેસીને જ બુદ્ધ અને મહાવીરે જ્ઞાન પ્રાપ્તિ કરેલું છે એમ શ્રી મંત્રીએ જણાવ્યું હતું. પેરિસ કન્વેન્શનનો ખાસ ઉલ્લેખ કરતા ભારતની બિનપરંપરાગત ઊર્જાના ક્ષેત્રે સિદ્ધિને તેમણે બિરદાવી હતી. ઉપરાંત તેઓએ વન મહોત્સવની સફળતાનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યો હતો. આ સિવાય તેમણે ૨૦૨૩નો રાજ્ય કક્ષાનો વનમહોત્સવ ખેડા જિલ્લામાં યોજવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
વન વિભાગ સચિવ અને ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવે વૃક્ષોના વ્યાપ વધારા માટે જનભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ખેડા જીલ્લાની વૃક્ષ ગીચતા માટે જિલ્લા વન વિભાગ અને સો મિલ સહિત અન્ય સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વન વિભાગ સચિવે જણાવ્યું હતું કે વન વિભાગ સહિતના અન્ય તમામ સરકારી વિભાગોમાં IWDMS, IFMS અને PFMS જેવી કમ્પ્યુટર સિસ્ટમ થકી સરકારી વહીવટમાં પારદર્શીતા અને જવાબદેહી આવી છે જેને ઉચ્ચ સ્તરીય વહીવટી સુધારો ગણી શકાય. જેના કારણે વન સંરક્ષણ માટે લેવાતા પગલા પણ નક્કર બન્યા છે.
જિલ્લા કલેકટરશ્રી કે. એલ. બચાણીએ “પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ” સૂત્ર આપતા વન મહોત્સવની અનિવાર્યતા સમજાવી હતી. રાજ્યમાં થીમ આધારિત વન મહોત્સવ શરૂ કરવાનો શ્રેય તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના ફક્ત ૧૧% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરશ્રીએ ચિંતા દર્શાવી હતી. નડિયાદ વન સંરક્ષકશ્રી દિલીપભાઈ ડાભીએ વન વિભાગની વિવિધ પ્રવૃતિઓ અને યોજનાઓ વિશે માહિતી આપી હતી. ખેડા જિલ્લામાં એક્સ્ટેન્શ ફોરેસ્ટ્રી, ઈ-પર્યાવરણ વાવેતર, RDFL, વૃક્ષ ખેતી, ફાર્મ ફોરેસ્ટ્રી, નીલગીરી ક્લોન, વિકેન્દ્રિત નર્સરી, સ્વ-સહાય જૂથ, પ્લેટિનમ વન અને નમો વન અંતર્ગત વિવિધ કામગીરીનો ઉલ્લેખ વન સંરક્ષકશ્રીએ કર્યો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સબળ સહઅસ્તિત્વ માટે તમામ ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે દ્વારા વૃક્ષ ઉપર કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત માતર ધારાસભ્ય શ્રી કિરીટસિંહ દ્વારા તમામ લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ પટ્ટી વાવેતર અને ગ્રામવન મોડલ માટે રૂપિયા ૪૩,૯૬,૦૬૦ ની સહાય અને ખાસ અનુભવ યોજના અને સામાજિક વનીકરણ યોજના હેઠળ રૂપિયા ૮,૬૨,૫૮૬ રકમના ચેક લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે આઝાદી ના અમૃત મહોત્સવ હેઠળ વન વિભાગ દ્વારા રાજ્યમાં “૭૫ નમોવડ વન” તૈયાર કરવામાં આવેલ છે.
જે પૈકી ખેડા જીલ્લામાં પણ આવા ૪-નમોવડ વન તૈયાર કરવામાં આવેલ છે. આ નમો વડ વનમાં ૭૫-વડના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં કઠલાલના પોરડા, ગળતેશ્વરના ગળતેશ્વર મંદિર સરનાલ, ઠાસરાના ડાકોર મંદિર, અને મહેમદાવાદના સણસોલી મુકામે નમોવડ વનનું લોકાર્પણ કરવામાં આવશે. ખેડા જિલ્લામાં વન વિભાગ હસ્તકની ૧૮ ખાતાકીય નર્સરીઓ, મનરેગા યોજના હેઠળની નર્સરીઓ, લોક ભાગીદારીથી લાભાર્થીઓ મારફત તૈયાર કરેલ નર્સરીઓ મળી કુલ ૫૯.૫૮ લાખ રોપા તૈયાર કરવામાં આવેલ છે. જેનું વિતરણ તથા વાવેતર કરવાનું ૭3મા વન મહોત્સવ હેઠળ આયોજન કરવામાં આવેલ છે.
આ સાથે વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૯૫૧,૦૦ હેકટર વિસ્તારમાં ખાતાકીય ખેડુત લાભાર્થીઓ મારફત વાવેતર કરવામાં આવશે. તેમજ લોકભાગીદારીથી મોટાપાયે વનીકરણ કરવામાં આવશે. ખેડા જીલ્લામાં મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રોપા વિતરણ કરી વાવેતર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૨૨/૦૮/૨૦૨૨ સુધી મફત રોપા વિતરણની પ્રવૃતી તથા વૃક્ષરથ દ્વારા જુદા-જુદા ગામોમાં રોપ વાવેતરની કામગીરી કરવાનું આયોજન કરેલ છે. તે ઉપરાંત સામાજીક વનીકરણની સમજુતી અને પર્યાવરણ જાળવણી માટેની સમજ દરેક ખેડૂત તથા લોકોને મળે તે અંગેનું આયોજન પણ કરવામાં આવેલ છે તેમજ વન મહોત્સવ અંગેની ઝુંબેશ યોજવામાં આવશે.
આમ “૭૩મા વન મહોત્સવ” ના મહાન કાર્યમાં ખેડા જિલ્લાના લોકો સક્રિય રીતે સહભાગી થઈ વર્ગીકરણની કામગીરીમાં જોડાઈ વન મહોત્સવની ઉજવણી સફળ બનાવે અને “એક બાળ એક વૃક્ષ” સુત્રને સાર્થક કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર વતીથી અપીલ કરવામાં આવી. ઉપરાંત ખેડા જીલ્લાને વધુને વધુ હરીયાળો બનાવવા તેમજ સમગ્ર રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા અને મુખ્યમંત્રીશ્રીના “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત” ના સુત્ર ને સાકાર કરવા કાર્યક્રમમાં ઊપસ્થિત સર્વે જનતાને વન મહોત્સવના આ મહાઅભિયાનમાં રસ દાખવી, આ કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરવામાં આવી હતી.
વન મહોત્સવ ઉજવણીના બીજા તબક્કામાં જીલ્લાના તમામ તાલુકામાં તાલુકા-કક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે ત્યારબાદ ત્રીજા તબક્કામાં જીલ્લાના કુલ૨૦૦ જેટલા ગામોમાં ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. તેમજ વૃક્ષરથ દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ પણ કરવામાં આવનાર છે. આ સાથે જિલ્લાના જુદા-જુદા સ્થળોએ,શાળાઓમાં, કોલેજોમાં, સરકારી મકાનોમાં, સંસ્થાઓમાં, ઔધોગીક એકમો, નદીકાંઠાના વિસ્તારમાં, પડતર સરકારી જમીનોમાં ઉપલબ્ધ તમામ જગ્યાએ વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કરી વધુમાં વધુ સ્થળોએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
વન મહોત્સવના કયક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા, માતર તાલુકાના ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, ખેડા પ્રાંત અધિકારીશ્રી, ખેડા મામલતદારશ્રી, ખેડા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, એસ. ઍન્ડ. ડી. પારેખ હાઈસ્કૂલ આચાર્યશ્રી, અગ્રણી વિપુલભાઈ પટેલ, નડિયાદ મદદનીશ વનસંરક્ષકશ્રી, અન્ય મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, પત્રકારો, એનસીસી સ્ટાફ, સો મિલના સભ્યો, વિવિધ યોજનાઓ ના લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ અને વિશાળ જન મેદનીમાં લોકો હાજર રહ્યા હતા.