ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૯ જુગારીયાઓ ઝડપી પાડયા
ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૯ જુગારીયાઓને ૪.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
(વિરલ રાણા) ભરૂચ,
અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જીલ્લાઓ માંથી જુગાર રમવા આવેલા ૧૯ જુગારીઓને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારના રૂ.૨.૩૧ લાખ રોકડા અને બે બાઈક અને ૧૯ મોબાઈલ મળીને કુલ રૂ.૪.૮૭ લાખનો જુગારનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારીઓને શહેર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લા એસપી ડૉ.લીના પાટીલે શ્રાવણ માસ દરમિયાન રમાતા જુગારના કેસો શોધી કાઢવા જીલ્લાના દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેના આધારે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે સમય દરમિયાન માહિતી મળી હતી કે ગડખોલ પાસે આવેલા જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા અજીતસિંહ સંતોકસિંહ સીકલીગર પોતાના મકાનમાં જીલ્લા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.
આ માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ ઉપર રેઈડ કરતાં જુગાર રમતાં ૧૯ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી જુગારના દાવ ઉપર લગાવેલા રૂ.૫૩ હજાર ૫૪૯ જુગારીઓની અંગ ઝડતી માંથી રૂ. ૧,૭૮,૩૩૦,બે બાઈક કિં રૂ.૧,૩૦,૦૦૦ અને ૧૯ નંગ મોબાઈલ કિં રૂ.૧,૨૬,૦૦૦ મળીને કુલ રૂપિયા ૪,૮૭,૮૭૦ નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીને શહેર પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.