અમદાવાદનો રિવરફ્રન્ટ બન્યો અસલામત
ફરિયાદીની ટી-શર્ટ પકડી કાન પર કોઈ હથિયાર રાખીને સોનાની દોઢ તોલાની ચેઇન તોડી લીધી હતી
રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાને લૂંટી લેવાઈ
અમદાવાદ,અમદાવાદ શહેરની ઓળખ બની ગયેલો રિવરફ્રન્ટ અસલામત બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બાઈક ચોરી, ચેઇન સ્નેચિંગ બાદ મોર્નિંગમાં સાઇક્લિંગ કરી રહેલી મહિલાને લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાને છરો બતાવી સોનાની ચેઇન, બુટ્ટી અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે હજારો લોકો આવતા હોય છે ત્યારે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
બીજી તરફ લૂંટના કિસ્સા બાદ પોલીસ આરોપીની તાત્કાલિક ધરપકડ કરે તેવી પણ લોક માંગણી ઉઠી છે. બાપુનગર વિસ્તારમાં રહેતાં અને જી.સી.એસ. હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતા જયશ્રીબેન શાહ શુક્રવારે સવારે છ વાગ્યે નિત્યક્રમ મુજબ રિવરફ્રન્ટ ગાર્ડનમાં પતિ સાથે મોર્નિંગ વોક માટે ગયા હતાં. તેઓએ સ્વામિનારાયણ મંદિર પાછળ સ્કૂટર પાર્ક કરીને સાઇકલ લીધી હતી. ફરિયાદી સાઇકલ લઈને નીકળ્યા હતા અને તેમના પતિ પાછળ મોર્નિંગ વોક કરી આવતા હતા.
ગાંધી બ્રિજથી આગળ જતા મેટ્રોનું કામ ચાલતું હોવાથી ફરિયાદીએ ઢાળ પરથી પરત ફરવા માટે યુ ટર્ન લીધો હતો ત્યારે અચાનક જ બાઈક પર એક પીળા રંગનો કૂર્તો પહેરીને યુવક આવ્યો હતો. જેણે ફરિયાદીની ટી-શર્ટ પકડી કાન પર કોઈ હથિયાર રાખીને સોનાની દોઢ તોલાની ચેઇન તોડી લીધી હતી. બાદમાં ફરિયાદીએ પહેરેલી સોનાની બુટ્ટી કાઢવા માટે ઈશારો કર્યો હતો. ફરિયાદી સોનાની બુટ્ટી કાઢી રહ્યા હતા ત્યારે ત્યારે અચાનક જ તેણે બુટ્ટી ખેંચી લીધી હતી.
ફરિયાદીને ઢસડીને બીજી બુટ્ટી પણ કાઢી લીધી હતી. બાદમાં સાઇકલના બાસ્કેટમાં રાખેલો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો અને ત્યાંથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ મહિલાએ પોતાની સાથે બનેલા બનાવ અંગે પતિને જાણ કરી હતી. બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસ તરફથી સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર બનેલો આ બનાવ ખરેખર ચોંકાવનારો અને લાલબત્તી સમાન છે.ss1