9મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવતા વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય તથા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે હું અભિનંદન આપુ છું. આજે દેશનાં 76મા સ્વાતંત્ર દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી સંબોધન કરતા સમયે જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાનની સાથે જય અનુસંધાનનો નારો આપ્યો હતો.
શ્રી મોદીએ પોતાના 86 મીનીટના પ્રવચનમાં જણાવ્યું કે જ્યારે 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું જ્યારે આપણે સ્વતંત્રતા સેનાની તમામ સ્વપ્ના પૂરા કરવાની આજે પ્રતિબધ્ધ થઇએ છીએ. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી 25 વર્ષ દેશ માટે સૌથી મહત્વના છે અને પંચ પ્રણ શક્તિ પર આપણે કેન્દ્રીત થવું પડશે.
શ્રી મોદીએ આ માટે વિકસીત ભારત, ગુલામીમાંથી મુક્તિ, દેશની વિરાસત પર ગર્વ, એકતા અને એકજૂટતા તથા નાગરિકોના કર્તવ્ય પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને પોતાના પ્રવચનમાં નારી શક્તિનું દેશ સન્માન કરે તે જરુરી હોવાનું જણાવી કહ્યું કે આપણામાં વિકૃતિ આવી ગઇ છે.
આપણે નારી શક્તિનું સન્માન નથી કરતાં, આપણી બોલચાલમાં પણ નારી શક્તિનું અપમાન કરીએ છીએ. આપણે સભાઓમાં, સંસ્કારમાં રોજબરોજની જિંદગીમાં નારી શક્તિનું સન્માન કરવાનો સંકલ્પ લેવો જોઇએ. નારીનું ગૌરવ રાષ્ટ્રના સ્વપ્નને પૂરા કરવા માટે દેશ માટે સૌથી મોટી પૂંજી બની શકે છે અને તે માટે દરેક સ્થિતિમાં નારી શક્તિનું સન્માન જરુરી છે.