અરવલ્લી જિલ્લાના મોડાસામાં ત્રિરંગો લહેરાવતા મુખ્યમંત્રી
મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી : હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરાઈ
હવે ગુજરાતના ત્રીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વધુ ગૌરવવંતો બનાવી રહ્યા છે : અરવલ્લી જિલ્લાના મોડાસામાં ત્રિરંગો લહેરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ : પોલીસ પરેડની સલામી ઝીલી : સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા
મોડાસા, આજે આઝાદીના 75 વર્ષની ઉજવણી બાદ ગુજરાતએ દેશ માટે એક મોડલ બની ગયું છે પરંતુ આઝાદી પૂર્વે પણ ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટેનું નેતૃત્વ લીધું હતું અને સ્વાતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને એક તાંતણે બાંધીને ભારતનું સર્જન કર્યું.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ એક બનીને આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમયે પોતાના સંબોધનમાં ગુજરાતના આઝાદીના લડવૈયાઓને યાદ કરીને અંજલી આપી હતી.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓરેન્જ કલરની પાઘડી પહેરીને પ્રથમ વખત મુખ્યમંત્રી દરજ્જે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો તથા રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. શ્રી પટેલે જણાવ્યું કે ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવનાર શહીદોને વંદન કરવાનો આજે અવસર છે.
ગુજરાત માટે આઝાદીની લડાઈ અને આઝાદી બાદ દેશનાં સર્જનમાં ગૌરવ લઇ શકાય તેવું અનેક યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 75 સપ્તાહ સુધી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનું આહવાન કર્યું હતું. આજે મોડાસામાં હેલિકોપ્ટરથી ત્રિરંગા પર પુષ્પવર્ષા કરવામાં આવીહતી તથા ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા.
શ્રી પટેલે જણાવ્યું કે ગાંધીજી અને સરદાર બાદ ગુજરાતના ત્રીજા સપૂતે દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતને દેશનું મોડલ રાજ્ય બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે આપણા હાથમાં સોંપ્યું છે અને અમારી ટીમ તે જ માર્ગે આગળ વધી રહી છે. આજે મુખ્યમંત્રીએ પોલીસ પરેડની સલામી ઝીલી હતી તથા જિલ્લાના વિકાસ કામોનું પણ ગઇકાલે સાંજે લોકાર્પણ કર્યું હતું.