અમદાવાદ રેલવે મંડળ પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 76માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં મંડળ રેલ પ્રબંધક
શ્રી તરુણ જૈને આરપીએફ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કર્યા બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સલામી લીધી હતી. આ પ્રસંગે તેમણે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાનીનો સ્વતંત્રતા દિવસનો સંદેશ વાંચ્યો હતો.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈને વિવિધ વિભાગોના 45 રેલ્વે કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રોકડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈને કેન્સરથી પીડિત 05 રેલવે કર્મચારીઓને આર્થિક સહાય આપીને મદદ કરી.
આ દરમિયાન આઝાદીના પ્રતીકરૂપે ત્રિરંગાના કલરના ફુગ્ગા પણ હવામાં છોડવામાં આવ્યા હતા. અમદાવાદ મંડળની સાંસ્કૃતિક ટીમ દ્વારા દેશભક્તિ આધારિત નૃત્ય અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે દરેકના મનને દેશભક્તિની ભાવનાથી રોમાંચિત કરી દીધા હતા. અને આ કાર્યક્રમ બાદ તમામ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે મહિલા કલ્યાણ સંગઠનના સભ્યો, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક (ઇન્ફ્રા) શ્રી દયાનંદ સાહૂ, વરિષ્ઠ મંડળ સુરક્ષા કમિશનર શ્રી ઇબ્રાહિમ શરીફ તથા અન્ય અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, સાબરમતી, પાલનપુર, મહેસાણા, ગાંધીધામ સહિત મંડળના તમામ સ્ટેશનો, કારખાનાઓ અને ડેપો પર સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ કાર્મીક અધિકારી શ્રી હર્ષદ વાણિયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.