વડોદરાની ૩૭૬ શાળાઓમાં શહિદોની સ્મૃતિમાં ૧૬૩૭૫ વૃક્ષોનું વાવેતર
વડોદરા, આઝાદીના અમૃત પર્વે વડોદરા જિલ્લામાં કલેકટર શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની કચેરી,વડોદરા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
૭૬ માં સ્વાતંત્ર્ય દિને વડોદરા જિલ્લામાં ૨૬,૨૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી નિરવ બારોટે જણાવ્યું છે.
શ્રી બારોટે જણાવ્યું કે વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, કરજણ,ડભોઈ અને વાઘોડિયા તાલુકાની ૩૭૬ પ્રાથમિક શાળાઓમાં આઝાદીના જંગમાં શહિદ થયેલા વીરોની સ્મૃતિમાં ૧૬,૩૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ તાલુકાઓમાં લીઝ ધારકો દ્વારા ૭૫૦૦ સહિત કુલ ૨૬,૨૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં પરમીટ ધારક બે કંપનીઓ દ્વારા ૨૩૫૦ વૃક્ષોનું વિવિધ વિસ્તારોમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણ લક્ષી આ નેક કાર્યમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને વનવિભાગનો પ્રશસ્ય સહયોગ મળ્યો હતો.
તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉમળકાભેર વૃક્ષો વાવી તેના જતન અને સંવર્ધન માટે સંકલ્પબધ્ધ બન્યા હતા. છોટાઉદેપુર વનવિભાગ દ્વારા વિનામૂલ્યે રોપાઓ પૂરા પાડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જિલ્લાની બાકી રહેલ શાળાઓને તબક્કાવાર આવરી લેવા આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.