બારમણ ગામે વિમા એજન્ટ દ્વારા ખેડૂતો પાસેથી ઉઘરાણાં
અમદાવાદ : અમરેલીના ખાંભામાં બારમણ ગામે પાક વીમો લેવા ખેડૂતોના પાકની નુકસાની વધારે બતાવવા પેટે ખેડૂત દીઠ વીમા કંપનીના એજન્ટ દ્વારા રૂ.૬૦૦ની ઉઘરાણી કરી કુલ રૂ.૫૪,૬૦૦ પડાવવાના વાયરલ વીડિયો અને ઓડિયો કલીપથી ખેડૂતઆલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વીમા કંપનીના આ એજન્ટે એક ફોર્મના રૂ.૬૦૦ લેખે કુલ ૯૧ ફોર્મના રૂ.૫૪,૬૦૦ પડાવતાં ખેડૂતઆલમમાં આક્રોશની લાગણી ફેલાઇ હતી. ખેડૂતો સાથે આ પ્રકારે ઉઘાડેછોગ લૂંટનો વિવાદ વકરતાં આખરે રાજયના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ તપાસના આદેશો આપ્યા છે. સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં કસૂરવારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની કડક સૂચના જારી કરી છે.
ખેડૂતો પાસેથી પાકની વધુ નુકસાની બતાવી એ પ્રમાણે વિગતો પાક નુકસાનીની સહાય મેળવવાના ફોર્મમાં ભરવા માટે વીમા એજન્ટે ખેડૂત દીઠ રૂ.૬૦૦ પડાવ્યા હતા અને કુલ ૯૧ ફોર્મના મળી રૂ.૫૪,૬૦૦ ઉઘરાવી લીધા હતા. જા કે, વીમા એજન્ટની આ કરતૂતનો વીડિયો અને ઓડિયો કલીપ વાયરલ બનતાં રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. ખાસ કરીને ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. ભારે વિવાદ અને હોબાળા બાદ આખરે રાજય સરકાર પણ હરકતમાં આવી હતી.
રાજયના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ સમગ્ર મામલામાં રાજયના કૃષિ નિયામકને તપાસના આદેશો જારી કર્યા હતા. સાથે સાથે આ કેસમાં કસૂરવારો વિરૂધ્ધ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરી હતી. જેને પગલે વીમા કંપનીઓ અને એજન્ટ આલમમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ભારતીય કિસાન સંઘ દ્વારા રાજયના અન્ય જિલ્લા-તાલુકાઓમાં પણ વીમા કંપનીના માણસો દ્વારા કોઇપણ પ્રકારે ખેડૂતો સાથે છેતરપીંડી ના આચરાય તે હેતુથી યોગ્ય પગલાં લેવા સરકાર સમક્ષ માંગ કરાઇ છે.