વસુધૈવ કુટુમ્બકમના ઋષિઓના ચિંતનના સર્વ-કલ્યાણના ભાવને આત્મસાત કરી ભારતને પુન: વિશ્વગુરુના સ્થાને સ્થાપિત કરીએ
સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું ગુજરાતને મળ્યું બહુમાન : એટહોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે અભ્યાસક્રમનું વિમોચન કરાયું
76મા સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે યોજાયું સ્નેહ-મિલન
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વતંત્રતા પર્વને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ ગણાવી મહાપુરૂષોની કલ્પનાના મહાન ભારતના નિર્માણ માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા પ્રેરણા પૂરી પાડી હતી.
રાજભવન, ગાંધીનગર ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલાં એટહોમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ એટહોમ કાર્યક્રમને રાષ્ટ્રના વિકાસનું ચિંતન પર્વ ગણાવ્યુ હતું.
રાજ્યપાલશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યુ હતુ કે, શહીદવીરો સમાન રાષ્ટ્ર પ્રેમમાં દિવાના લોકો જ રાષ્ટ્રનું ઘડતર કરી શકે છે, આવા ભારત માતાના મહાન સપૂતોને પ્રેરણા સ્ત્રોત બનાવી તેમની કલ્પનાના મહાન રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વ ભારત પ્રતિ સન્માનના ભાવથી જોઈ રહ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, આજના પર્વે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને વસુધૈવ કુટુમ્બકમ્ ના ઋષિઓના ચિંતનના સર્વ-કલ્યાણના ભાવને આત્મસાત્ કરી ભારતને પુન: વિશ્વગુરુના સ્થાને સ્થાપિત કરીએ. તેમણે ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર પ્રત્યે પ્રત્યેક નાગરિકને ગૌરવ હોવું જોઈએ, તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ 76માં સ્વાતંત્ર્ય પર્વે સમગ્ર દેશને રાસાયણિક કૃષિથી મુક્ત કરવા સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરી જણાવ્યુ હતું કે, જળ-જમીન અને પર્યાવરણની રક્ષા, દેશી ગાયના જતન સંવર્ધન માટે તેમજ ધરતી માતાને બંજર બનતી અટકાવવા રાસાયણિક કૃષિથી મુક્તિ મેળવવી આવશ્યક છે.
તેમણે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી, સ્વસ્થ સમાજ અને કૃષિ તેમજ ખેડૂતોના ઉત્કર્ષ માટે પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.
સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું ગુજરાતને બહુમાન મળ્યુ છે. એટહોમ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના નવા તૈયાર કરાયેલા પાઠ્યક્રમનું વિમોચન કરાયું હતું. રાજ્યપાલશ્રીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય અનુસંધાનના કર્મ મંત્રને સાર્થક કરવા ગુજરાતે પ્રાકૃતિક કૃષિ જન-અભિયાન દ્વારા જે પુરુષાર્થ કર્યો છે, તેને દોહરાવ્યો હતો.
રાજ્યપાલશ્રીએ આ તકે એમ પણ જણાવ્યુ હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલે સ્વતંત્ર અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. હવે દેશની એકતા અને અખંડતાનું જતન કરવાની જવાબદારી સૌ નાગરિકોની છે.
76માં સ્વાતંત્ર્ય દિન પર્વે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયેલાં આ સ્નેહ સંમેલનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી હેતલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્નેહ સંમેલનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ભારતીય સેનાના ત્રણે પાંખના વરિષ્ઠ અધિકારીઓ, વિરતા પુરસ્કાર વિજેતા, વૉર વેટરન્સ, વૉર વિડોઝ, વરિષ્ઠ સચિવશ્રીઓ, પદ્મશ્રી મહાનુભાવો, પ્રતિભા સંપન્ન રમતવીરો, પદાધિકારીશ્રીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જગત વર્માજીએ દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરી વાતાવરણમાં નવું જ જોમ ભરી દીધું હતું.