રિક્ષાચાલકની બેદરકારીને કારણે મેટ્રોનો પિલર નમી ગયો
અમદાવાદ, બુધવારે સાંજે ભારે વરસાદ દરમિયાન થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટનો એક નિમાર્ણાધીન પિલર નમી જતા અફડાતફડી મચી હતી.
જો કે સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ જાનહાની કે મોટું નુકશાન નથી થયું. આ ઘટનાને પગલે નાશભાગ મચી હતી. ઉલ્લેખનીય છે કે આગામી નવરાત્રીના તહેવારોમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનો શરૂ થઈ રહી છે ત્યારે આ ઘટના બની છે. આ ઘટનામાં બેદરકારી બહાર આવી છે.
અમદાવાદમાં મેટ્રોના કામમાં બેદરકારીનો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ જયારે વસ્ત્રાલમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ જ રીતે થાંભલાનું સ્ટ્રકચર પડી ગયું હતું, જો કે આ ઘટનામાં જાનહાની નહોતી થઈ. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડના એમડી રાઠોડે જણાવ્યું હતું કે એક રિક્ષાચાલકે ચેતવણી અવગણી હતી,
અને લોખંડના સ્ટ્રકચરને સ્થિર રાખવા માટે હાથમાં દોરડું પકડીને ઉભેલ વ્યક્તિ પાસેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા ચાલકે વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી હતી અને લોખંડનું સ્ટ્રકચર નમેલુ રહ્યું હતું. ક્રેન સાથે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્ટ્રકચરને ઝડપથી સીધુ કર્યુ હતું.