દારૂની મહેફિલનો વીડિયો બનાવનાર વેપારીને પડ્યો માર
મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
બે જેટલા શખ્સો એક્ટિવાની ઘોડી ચડાવી તેના પર દારૂના બે ગ્લાસ રાખી દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો વીડિયો તેમણે બનાવ્યો હતો
રાજકોટ,ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં ગાંધીના ગુજરાતમાં વાર્ષિક હજારો કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂનું ખરીદ વેચાણ થાય છે. રાજકોટ શહેરમાં દારૂની બદીઓનો નાશ કરવામાં આવે છે તે પ્રકારના બણગા ફૂંકતી રાજકોટ પોલીસને ફરી એક વખત પ્યાસીઓએ પડકાર ફેંક્યો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર બે શખ્સો દ્વારા ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મેહફિલનો વીડિયો ઉતારનાર વેપારીને પ્યાસીઓ માર માર્યો હતો.
આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર સ્કાય મોબાઇલ નામની દુકાન ચલાવનાર વેપારી જયસનભાઈ કપુરીયાએ જુદા જુદા વીડિયો બનાવ્યા હતા. દુકાનની સામેના ભાગમાં બે જેટલા શખ્સો એક્ટિવાની ઘોડી ચડાવી તેના પર દારૂના બે ગ્લાસ રાખી દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો વીડિયો તેમણે બનાવ્યો હતો. મેહફિલ માણનારા શખ્શોને અંદાજાે આવી જતા તેઓ વેપારી જયસનભાઈ કપુરીયા પાસે ગયા હતા અને શા માટે અમારો વીડિયો ઉતારી રહ્યો છો?
તેમ કહી તેમને બેફામ ગાળો ભાંડી તેમની સાથે મારફૂટ કરી હતી. સાથે જ એક આરોપીએ પોતાના નેફામાં રહેલી છરી કાઢી વેપારીને ઇજા પણ પહોંચાડી હતી. સમગ્ર મામલે વેપારીને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં વેપારીની ફરિયાદના આધારે લાલા ભરવાડ અને વિજય નેપાળી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
સાથે જ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અવારનવાર આ પ્રકારની મહેફીલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. પોલીસ લાલા ભરવાડ અને વિજય નેપાળી કોની પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હતો તે બાબતની તપાસ કરશે કે કેમ, તેની વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણનારાઓનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસની પૂછપરછમાં મહેફિલ માણનારાઓએ ગ્લાસમાં રહેલું પ્રવાહી દારૂ નહીં પરંતુ એપ્પી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે પ્રથમ છ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી તેમને સીપી કચેરી ખાતે પણ લઈ જવામાં પણ આવ્યા હતા. તેમજ ત્યાં તેમને ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો. જે તે સમયે પોલીસ કમિશનરે કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. જાેકે, સૂત્રોનું માનીએ તો કથિત ૨૫ લાખથી વધુનો વહીવટ થતાં રાત્રિના બે વાગ્યા બાદ જ અટકાયત કરવામાં આવેલા વ્યક્તિઓને જવા દેવામાં આવ્યા હતા. તેમજ વહીવટ બાદ પોલીસે પણ ગ્લાસમાં દેખાનાર પ્રવાહી દારૂ નહીં પરંતુ એપ્પી જ હોવાનું માની લીધું હતું. હાલ વાયરલ થયેલા વીડિયોમાં દેખાનાર પ્રવાહી દારૂ જ નીકળશે કે પછી તે પણ એપ્પી બની જશે તે સૌથી મોટો સવાલ છે.ss1