સરકારી દવાખાનામાં 1 વર્ષમાં 298 પ્રસુતિઓ કરાવનાર ડો.સ્મિતાનું બહુમાન
મહિલા આરોગ્ય રક્ષાનું ઉત્તમ કામ
ડો.સ્મિતા રાઠવા અને તેમની ટીમે કરજણ તાલુકાના મેથીના સરકારી દવાખાનામાં એક વર્ષમાં ૨૯૮ પ્રસુતિઓ કરાવી.
આ દવાખાનાના લાભાર્થી ૧૬ ગામોમાં ઘરમાં નહિ પણ દવાખાનામાં સલામત સુવાવડની જાગૃતિ ટીમ મેથી આરોગ્ય કેન્દ્રએ મેળવી છે.
કર્મયોગી ડો.સ્મિતા રાઠવા સંસ્થાકીય સુવાવડને પ્રોત્સાહિત કરવા માટે સ્વતંત્રતા દિવસ સમારોહમાં સન્માનિત
વડોદરા, કરજણ તાલુકાના નાનકડા મેથી ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં સુવાવડ કરાવવાની સુવિધા છે.સન ૨૦૧૦ માં આ સરકારી દવાખાનામાં માંડ ૫૦ બહેનો સુવાવડ માટે દાખલ થઈ હતી.તેના કારણોમાં એક તો આ વિસ્તારમાં ઘેર જ સુવાવડ કરાવવાનું વલણ હતું.બીજું કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લેવાની જાગૃતિ ઓછી હતી. તે સમયે આ દવાખાનામાં તબીબી અધિકારી ડો.સ્મિતા રાઠવાએ સુકાન સંભાળ્યું.એમને થયું કે દવાખાનામાં એટલે કે સંસ્થાકીય(institutional) પ્રસૂતિનું પ્રમાણ વધે તો માતા અને નવજાત શિશુઓ ની આરોગ્ય રક્ષા થાય અને માતા/ બાળ મરણ નું પ્રમાણ ઓછું થાય.
તેમણે આ સરકારી દવાખાનાના કર્મયોગીઓ નો સહયોગ લઈને આ બાબતમાં લોકોને જાગૃત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. જેના પરિણામે ગયા વર્ષે આ દવાખાનામાં ૨૯૮ જેટલી પ્રસૂતિ થઈ. તેમના સંનિષ્ઠ પ્રયાસો અને ટીમ વર્કને લીધે અહીં સલામત સુવાવડ માટે દાખલ થતી સગર્ભાઓ ની સંખ્યા છેલ્લા દાયકા દરમિયાન ઉત્તરોત્તર વધી છે અને બે આંકડાની મર્યાદા વટાવીને સંખ્યા ત્રણ આંકડામાં થઈ છે.૨૦૧૦ ની સરખામણીમાં ગયા વર્ષે લગભગ ૬ ગણી પ્રસૂતિ અહીં કરાવવામાં આવી છે.
તેની સાથે આ દવાખાનાની ટીમ સગર્ભાઓ ની શરૂઆતના મહિનાઓમાં નામ નોંધણી,સમયાંતરે જરૂરી રસીઓ આપવી,સ્વાસ્થ્ય માટે જરૂરી દવા – ગોળી આપવા,નિયમિત વજન કરવું,લોહીની તપાસ અને જરૂર હોય તેવા કિસ્સાઓમાં સોનોગ્રાફી કરવી જેવી સેવાઓ નિર્ધારિત સમયપત્રક પ્રમાણે અને વિનામૂલ્યે આપે છે.જેના ખૂબ સારા પરિણામો મળ્યા છે અને સરકારી દવાખાનામાં સલામત સુવાવડની આગવી ઓળખ બંધાઈ છે.
ડો.સ્મિતાના આ સફળ કર્મયોગને બિરદાવવા આઝાદી ના ૭૬ માં સ્વતંત્રતા પર્વે તેમનું ધ્વજ વંદન સમારોહમાં બહુમાન કરવામાં આવ્યું.જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારે તેમને પ્રશસ્તિપત્ર પ્રદાન કર્યું અને અભિનંદન આપ્યાં.
આ માત્ર મારું નહીં મારી ટીમના અવિરત કર્મયોગનું સન્માન છે એવી લાગણી વ્યક્ત કરતાં ડો. સ્મિતાએ જણાવ્યું કે અંતરિયાળ ગામોની સગર્ભાઓ,ધાત્રી માતાઓ અને નવજાત બાળકોને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અમારી ટીમ સતત પ્રયત્નો કરે છે.આસપાસ ના ૧૬ જેટલા ગામોમાં અમે સગર્ભાઓ ની આરોગ્ય કાળજી,મળવાપાત્ર સરકારી લાભોનો પ્રચાર કરીએ છે જેને આ રીતે પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે.
દવાખાનામાં સલામત સુવાવડ વધારવાના સફળ પ્રયત્નો માટે ડો.સ્મિતા બીજીવાર સન્માનિત થયાં છે.
સરકારે અનેક યોજનાઓ માતૃ બાળ આરોગ્ય રક્ષા અને કલ્યાણ માટે અમલમાં મૂકી છે.તેનો લાભ વધુ લેવાય અને માતા અને બાળક સલામત રહે તે માટે આ પ્રકારનો કર્મયોગ સરકારી આરોગ્ય તંત્રની છાપ ઉજળી કરે છે અને વિશ્વસનીયતા દ્રઢ કરે છે.