ભૂગર્ભજળ ઘટતા ગાંધીનગરની જમીન દર વર્ષે પ mm ધસી રહી છે:ISR
ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે ગાંધીનગરની જમીન દર વર્ષે પ મિલીમીટર ધસી રહી છે.
જીપીએસ પધ્ધતિથી કરાયેલા આ રિસર્ચમાં ગાંધીનગરનું ભૂગર્ભ જળ ઘટવાના કારણે જમીન ધસી રહી હોવાનું સામે આવ્યું છે.આઈએસઆરના વૈજ્ઞાનિક પલ્લબી ચૌધરીએ સંપર્ક સાંધતા રિસર્ચ અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના રાયસન આઈએસઆર ખાતે વર્ષ ર૦૦૯-ર૦૧૬ દરમિયાન જીપીએસ પધ્ધતિથી કરાયેલા માપનમાં ગાંધીનગરની જમીન દર વર્ષે પ મિલીમીટર જેટલી ધસી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ-ગાંધીનગર પ્રદેશમાં ભૂગર્ભજળના અતિશય શોષણને કારણે પ્રતિ વર્ષે ૧.૩ મીટર ભૂગર્ભજળ ઘટી રહ્યું છે. ભૂગર્ભજળના ઘટાડાને કારણે પાણીની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થઈ છે, તેમજ ભૂગર્ભજળનો ઉપયોગ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે.
અતિશય ભૂગર્ભજળના ઉપયોગને કારણે જમીનમાં ઘટાડો થવાથી પણ ચોમાસાની ઋતુમાં પૂરની ઘટનામાં વધારો થઈ શકે છે. અને પ્રદેશની સપાટીના ડ્રેનેજની પદ્ધતિને બદલી શકે છે. નોંધનીય છે કે જાે આ ઘટાડો આમ જ ચાલુ રહે છે, તો સિંચાઈ અને ખેતીની પદ્ધતિમાં ફેરફાર થઈ શકે છે અને ઈમારતો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પણ થઈ શકે છે.