કૃષ્ણનગરઃ દારૂના જથ્થાનું કટીંગ થતું હતું ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી સ્થાનિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહયા છે આ ઉપરાંત કેટલાક સ્થળો પર વિદેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોવાની માહિતી મળતા પોલીસતંત્રની અન્ય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. જાકે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ સામે શંકાની સોય ચીંધાતી હોય છે.
ગઈકાલે રાત્રે પણ આવી જ એક ઘટના ઘટી હતી જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં મધરાતે વિદેશી દારૂની ટ્રકમાંથી દારૂની ડિલીવરી થતી હતી ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો તથા ટ્રક, કાર સહિતના વાહનો કબજે કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. કુલ ૧ર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિદેશી દારૂનો આ જથ્થો બુટલેગરે મંગાવ્યો હતો અને તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલમાં આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામવા માટે અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં અનેક સ્થળો પર દેશી દારૂના અડ્ડા ધમધમવા લાગ્યા છે
જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરમાંથી મોટા બુટલેગરો દ્વારા છેવાડાના વિસ્તારોમાં દારૂના અડ્ડા શરૂ કરી દેવાયા હોવાની માહિતી મળતા પોલીસતંત્રની અન્ય એજન્સીઓ એલર્ટ થઈ ગયેલી છે અને સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો અન્ય રાજયમાંથી આવવાનો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી
જેના પગલે અધિકારીઓ છેલ્લા બે દિવસથી વોચમાં બેઠા હતા જાકે આ સમગ્ર કામગીરી દરમિયાન કૃષ્ણનગર પોલીસ અંધારામાં જ રહી હતી. ગઈકાલે રાત્રે ર.૦૦ વાગ્યાની આસપાસ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક શંકાસ્પદ હાલતમાં એક ટ્રક આવી હતી અને તેની સાથે સાથે જ એક સ્વીફટ કાર તથા રીક્ષા અન્ય વાહનો પણ આવી પહોંચ્યા હતા આ દ્રશ્ય જાઈ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
કૃષ્ણનગર શ્રીમાળી સોસાયટી નજીક ઉભેલી ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નીચે ઉતારી આ દારૂનો જથ્થો રીક્ષા તથા કારમાં ઠાલવવામાં આવતો હતો. ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓનું કટીંગ શરૂ કરાતા જ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ સ્થળને ચારેબાજુથી ઘેરી લઈ દરોડો પાડયો હતો સેલ ના અધિકારીઓએ દરોડો પાડતાં જ આરોપીઓએ નાસભાગ કરી મુકી હતી.
પરંતુ તમામ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં. અધિકારીઓએ સ્થળ પરથી ચારથી વધુ શખ્સોને ઝડપી લીધા બાદ તમામ વાહનો પણ જપ્ત કર્યાં હતાં તપાસ કરતા ટ્રકમાંથી ત્રણ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું જાણવા મળી રહયું છે.
રાજદીપ નામના બુટલેગરનો આ દારૂનો જથ્થો કટીંગ થતો હતો ત્યારે જ અધિકારીઓ ત્રાટક્યા હતાં. પ્રાથમિક તપાસમાં આ બુટલેગર કેટલાક ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું મનાય છે. સ્ટેટ મોનીટરીંગ સેલે કૃષ્ણનગર વિસ્તારમાં મધરાતે પાડેલા દરોડાના પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કૃષ્ણનગર સુધી પહોંચી જવાની ઘટનાથી શહેરના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ અંગે તપાસ શરૂ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી અંદાજે રૂ.૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત ૧ર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહી તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે.