પરીક્ષા આપવા નકલી ઉમેદવારે અસલી પરીક્ષાર્થીની અંગૂઠાની ચામડી લગાડી
વડોદરા, શહેરમાં ડમી ઉમેદવારનો મગજ ચકરાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં મંગળવારે રેલવે ભરતીની પરીક્ષામાં અસલી ઉમેદવારના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠે લગાવીને પરીક્ષા આપવા આવેલો બોગસ વિદ્યાર્થી ઝડપાયો છે. બિહારનો ઠગ ઉમેદવાર ચેકિંગ દરમિયાન જ પકડાઇ ગયો હતો. લક્ષ્મીપુરા પોલીસે મોડીરાતે બંનેની ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં નારાયણગાર્ડન નજીક આવેલા અનન્તા ટ્રેન્ડ્ઝના ચોથા માળે મંગળવારે રેલ્વે રિક્રુટમેન્ટની લેવલ-૧ની ઓનલાઇન પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષાનો સમય સાંજે ૫થી ૬.૩૦ સુધી હતો. ચેકિંગ તેમજ બેઠક વ્યવસ્થાની ગોઠવણી માટે ઉમેદવારોને બપોરે ત્રણ વાગે બોલાવવામાં આવ્યા હતા.
ઉમેદવારોને એડમિટ કાર્ડ, બારકોડ સ્કેન, ફોટો આઇડી, મેટલ ડિટેક્ટર વગેરે તપાસ કર્યા બાદ લેબ અને બેઠક નંબર આપવામાં આવતો હતો. આ દરમિયાન મનિષ શંભુપ્રસાદ (ગનૈલી,મુંગેર,બિહાર) નામના ઉમેદવારની તપાસ દરમિયાન તેના અંગૂઠાનું નિશાન નહીં આવતાં સુપરવાઇઝર અખિલેન્દ્રસિંગે સિક્વીન્ઝ ડિવાઇઝથી ફરી ચેક કર્યું હતું.
આ તપાસમાં ઉમેદવાર પોતાનો હાથ વારંવાર ખિસ્સામાં નાંખતો હતો. જેથી તપાસકર્તાઓને શંકા ગઇ હતી. જેથી બીજી વાર પણ તેની અંગૂઠાની પ્રિન્ટ લેવાઇ તો પણ આવી ન હતી.
જેથી તપાસકર્તાએ હાથમાં સેનેટાઇઝર નાંખ્યું હતુ. જેથી ડાબા અંગૂઠા પર અન્ય ચામડી લગાડી હોવાનું જણાતા તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. ઉમેદવારની પોલીસ દ્વારા પૂછપરછ કરતા મનીષકુમારના નામે આવેલા ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા (રહે. બેલાડીહ ગાવ, બિહાર ) હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
જેનો રિપોર્ટ આવી જતાં મોડીરાતે બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં એસપી, એમ. એમ વારોતિયાના જણાવ્યા પ્રમાણે, મનીષપ્રસાદ અને રાજ્યગુરૂ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મીડિએટર મારફતે બંને મળ્યા હતા. જે બાદ મનીષપ્રસાદના ડાબા હાથની ચામડી કાઢી રાજ્યગુરૂ ગુપ્તાના ડાબા હાથમાં ચોંટાડી હતી.
આ અંગે કોઇ સોદો થયો હતો કે નહીં તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. લક્ષ્મીપુરાના પીઆઇ પૂજા તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ડમી પરીક્ષાર્થી પાસે મળી આવેલી ચામડી માનવીની હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
આ ચામડી અસલ પરીક્ષાર્થીની છે કે નહીં તે અંગે પણ ઉંડાણપૂર્વક તપાસ થશે. જે માટે મળેલી ચામડી ફોરેન્સિક નિષ્ણાતોને મોકલવામાં આવી છે.SS1MS