મેડિકલ ચેકઅપ માટે રાહુલ અને પ્રિયંકા સાથે સોનિયા ગાંધી વિદેશ જશે

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે દેશની બહાર જઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મેડિકલ ચેકઅપ માટે વિદેશ જઈ રહ્યા છે.
આ સાથે જયરામ રમેશે એ પણ માહિતી આપી છે કે રાહુલ ગાંધી ૪ સપ્ટેમ્બરે દિલ્લીમાં મોંઘવારી પર હલ્લા બોલ રેલીને સંબોધિત કરશે. દિલ્લી પરત ફરતા પહેલા સોનિયા ગાંધી તેમની બીમાર માતાને પણ મળશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વચ્ચે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પાર્ટીની મહત્વપૂર્ણ રાજ્ય સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ હતુ. તેમણે કહ્યુ હતુ કે જે રીતે તેમનુ સતત અપમાન થઈ રહ્યુ છે તેના કારણે તેમની પાસે આ સિવાય બીજાે કોઈ વિકલ્પ બચ્યો નથી.
આ દરમિયાન હિમાચલ પ્રદેશની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી રાજીવ શુક્લાને આનંદ શર્માને મનાવવા માટે મોકલવામાં આવ્યા હતા. આનંદ શર્માને મળ્યા બાદ રાજીવ શુક્લા દિલ્લી પરત આવ્યા અને સોનિયા ગાંધીને મળ્યા. રિપોર્ટ અનુસાર સોનિયા ગાંધી તાજેતરમાં જ કોરોના સંક્રમિત થયા હતા.HS1MS