ખાદ્ય સુરક્ષા – સ્પર્ધાત્મકતા સાથે કલ્યાણનું મિશ્રણ
-શ્રી પિયૂષ ગોયલ- કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કપડા મંત્રી
મૂક ક્રાંતિ દેશમાં ફરી વળી છે કેમ કે તે દેશમાં વાજબી ભાવની દુકાનોમાંથી 80 કરોડ ભારતીયોને ભારે સબસિડી હેઠળનું અનાજ ખરીદવાની સ્વતંત્રતા સાથે ખાદ્ય સુરક્ષાનું અભૂતપૂર્વ સશક્તીકરણ પ્રદાન કરે છે. તેનાથી મોદી સરકારના ગરીબો તરફી વલણ અને કલ્યાણને એક નવી ઉંચાઈ બક્ષે છે તથા તેનાથી એક ગતિ પ્રક્રિયા સુનિશ્ચિત થઈ છે જેની ઘણા લોકોએ કલ્પના કરી હતી તેના કરતાં પણ દેશ પર મોટી પરિવર્તનકારી અસર કરશે.
એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ (ઓએનઓઆરસી) યોજના માત્ર અત્યંત અસરકારક યોજના જ નથી જે વંચિતોને સહકાર આપે છે તથા તેમની જરૂરિયાતો સંતોષે છે. આ યોજનાએ વાજબી ભાવની દુકાનોને પ્રચલિત કરી છે અને સ્પર્ધાના બજારમાં લાવી મૂકી છે તથા તે એક આર્થિક ઉત્પ્રેરક છે કેમ કે તેનાથી સ્થળાંતર કરનારા લોકો હવે શહેરમાંથી ભારે સબસિડી ધરાવતું અનાજ ખરીદવા સક્ષમ બન્યા છે અને તેમાંથી બચાવેલા નાણામાંથી અન્ય ચીજ વસ્તુઓ પણ ખરીદી શકે છે.
ભારતમાં દર વર્ષે અંદાજે છ કરોડ લોકો અન્ય રાજ્યમાં સ્થળાંતર કરે છે તો લગભગ આઠ કરોડ લોકો તેમના જ રાજ્યમાં સ્થળાંતર કરે છે. ઓએનઓઆરસી ઘણા રાજ્યમાં આ સ્થળાંતર કરનારા કામદારો માટે આશીર્વાદરૂપ યોજના બની ગઈ છે. આ રાજ્યોમાં ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
અગાઉ જ્યારે આ પ્રકારના કામદારો અન્ય શહેરમાં મજૂરી કરવા માટે જતા હતા ત્યારે તેઓ અનાજ પર સબસિડીનો અધિકાર ગુમાવી દેતા હતા કેમ કે તેઓ પોતાના વતનમાં વાજબી ભાવની દુકાનો સાથે બંધાયેલા હતા. જો તેઓ શહેરમાં વાજબી ભાવની દુકાનો સાથે નોંધણી કરાવે તો તેમના પરિવારે ઉંચા બજાર ભાવેથી અનાજ ખરીદવું પડતું હતું.
ઓએનઓઆરસીના આગમનથી હવે કામદારો તથા તેમના પરિવારજનો આસાનથી આ લાભ પ્રાપ્ત કરી શકે છે. તેમની પચત પણ જંગી બનવા લાગી છે કેમ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તેમને ભારે સબસિડી ધરાવતું અનાજ તો મેળવી જ શકે છે તદુપરાંત તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પણ વિના મૂલ્યે પુરવઠો આપવામાં આવે છે.
આમ થતાં ભારતીય કામદારો આત્મનિર્ભર બન્યા છે કેમ કે આ યોજના હવે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રીના ટેકનોલોજી ઝુંબેશ સુધારણાનો પણ ભાગ બની ગઈ છે.
આ યોજનાની અન્ય દૂરોગામી અસર પણ છે. દાયકાઓથી પડોશની રાશનની દુકાનો એક ઇજારો હતો. લાભાર્થીઓ પાસે કોઈ ચોક્કસ વાજબી ભાવની દુકાને ગયા વિના કોઈ અન્ય વિકલ્પ ન હતો. દુકાનનો માલિક બંધનકર્તા બજાર પર અંકુશ ધરાવતો હતો અને ગુણવત્તા જાળવી રાખવા માટે તેને કોઈ પ્રોત્સાહન મળતું ન હતું.
ઓએનઆરસીએ માત્ર હિજરતીઓને જ નહીં પરંતુ તમામ લાભાર્થીને અન્ય વાજબી ભાવની દુકાનેથી ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. જો જે તે વાજબી ભાવની દુકાન વધુ સારા ગુણવત્તાસભર અનાજનું વેચાણ કરતી હોય અને સારી સેવા પ્રદાન કરતી હોય તો તેની પાસેથી અનાજ ખરીદવાનો વિકલ્પ ઓએનઆરસીએ આપ્યો છે. આમ દેશના દરેક રાજ્યોમાં વેચાણકર્તાને હવે પાંચ લાખથી વધારે દુકાનોની સ્પર્ધા કરવાની હોય છે. આ એક સીમાચિહ્નરૂપ પરિવર્તન છે કેમ કે તેણે દુકાનદારને ગુણવત્તાથી સાવચેત તથા સ્પર્ધાત્મક બનાવ્યો છે.
સમગ્ર દેશમાં વાજબી ભાવની લાખો દુકાનોને વેગ મળતાં દેશમાં વેપારી સંસ્કૃતિમાં એકંદરે સુધારો આવ્યો છે અને તેનાથી ભારતીયોને વધુ બહેતર ગુણવત્તાયુક્ત અનાજ અને સેવા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આ પ્રકારના પરિવર્તનથી નાના વેપારીઓને પોતાની ચીજોની ગુણવત્તા સુધારીને મજબૂત રીતે વિકસીત થવામાં મદદ મળશે અને તેઓ નિકાસના બજારમાં પણ પ્રવેશી શકશે. તેનાથી સંખ્યાબંધ રોજગારીનું પણ સર્જન થશે.
ઓએનઓઆરસીએ અગાઉથી જ મજબૂત પ્રારંભ કરી દીધો છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કામચલાઉ મજૂરો, શહેરના ગરીબ ફેરિયાઓ, શેરીમાં વસતા લોકો, કામચલાઉ મજૂરો અને દૈનિક વેતન કમાનારા લોકો સહિત કરોડો મજૂરો આ સીમાચિહ્નરૂપ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ઓગસ્ટ 2019માં તેનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ વ્યવહારો નોંધાયા છે. તેમાં આંતર રાજ્ય અને અન્ય રાજ્યના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. તે એનએફએસએ અને પીએમજીકેએવાય યોજનાના લાભાર્થીને અનાજ પૂરું પાડે છે. આ વ્યવહારોમાં એપ્રિલ 2020થી કોવિડના સમયગાળાના 69 કરોડ વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની પ્રધાનમંત્રીની હાકલ દેશ માટે મોટું સમર્થક રહ્યું છે. મહામારીના ટોચના સમય દરમિયાન તેનાથી ઘરેથી કામ કરવાની સરળતામાં તો દેશને સફળતા મળી જ છે પરંતુ સાથે સાથે તેનાથી ગરીબો તથા જરૂરતમંદોને મદદ કરવામાં પણ સફળતા સાંપડી છે. હાલના તબક્કે 100 ટકા રાશન કાર્ડ ડિજિટલાઇઝ થઈ ગયા છે. આ ઉપરાંત વાજબી ભાવની 5.3 લાખ કરતાં વધારે દુકાનો (99 ટકા)માં વેચાણ માટેને ઇલેક્ટ્રોનિક પોઇન્ટ સ્થાપવામાં આવ્યા છે.
આ યોજનાનો તમામ સંભવિત લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે વધારેમાં વદારે પ્રયાસ હાથ ધર્યા છે. આ યોજનાને સાકાર કરવા માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે 11 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયાના ધોરણે એક સમાન નોંધણી સુવિધા (કોમન રજિસ્ટ્રેશન ફેસિલિટી) નો પ્રારંભ કર્યો છે જેનાથી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા હેઠળ સમાવી શકાય.
આ ઉપરાંત વિવિધ મંત્રાલયો તથા વિભાગોએ આ યોજના અંગે પ્રજામાં જાગૃતિ આણવા માટે વ્યૂહાત્મક પહોંચ તથા સંદેશાવ્યવહાર માટેના તેમના પ્રયાસોનું સંકલન કર્યું છે. સરકારે એક રેડિયો આધારિત ઝુંબેશ હિન્દીમાં તથા દસ અન્ય સ્થાનિક ભાષાઓમાં હાથ ધરી છે
જેમાં 167 એફએમ અને 91 પ્રાંતિય રેડિયો સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2,400 રેલવે સ્ટેશનમાં જાહેરાતો તથા ડિસ્પલે લગાવવામાં આવ્યા છે જેમાં ટ્રેન દ્વારા મુસાફરી કરતાં હિજરતીઓ માટે પ્રધાનમંત્રીનો સંદેશ પ્રસારિત કરવામાં આવે છે. આ પ્રકારના સંદેશનું પ્રસારણ કરવા માટે જાહેર બસોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ યોજના નરેન્દ્ર મોદી સરકારના મુખ્ય અભિગમને દર્શાવે છે. જાહેર નીતિ એવી રીતે ઘડવામાં આવે છે કે તે ગરીબમાં ગરીબ અને સમાજમાં સૌથી હાંસિયામાં ઘકેલાઈ ગયેલા વર્ગને પણ લાભ આપે છે. આ તર્ક સરકારના આઠ પરિવર્તનકારી વર્ષની તમામ નીતિઓ તથા સિદ્ધિઓનું મુખ્ય પાસું છે.
આ એ જ તર્ક અને સુસંચાલનનો અભિગમ છે જેણે ગરીબ લોકોના બેંક ખાતા, સીધી રોકડ જમા, આરોગ્ય વીમો, પ્રત્યેક ગામડામાં વિજળી, અંતરિયાળ વિસ્તારમાં પણ સારા ગ્રામ્ય માર્ગો, ગરીબોને રાંધણ ગેસનો પુરવઠો તથા અન્ય લાભો અપાવ્યા છે. સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી પ્રસંગે દરેક માટે પસંદગીની સ્વતંત્રતા તરફ આગળ ધપી રહ્યો છે. ચાલો આપણે આ પસંદગીની ઉજવણી કરીએ અને તેને સક્ષમ બનાવીએ.