ઝઘડિયાના વલી ગામ નજીક મોટર સાયકલ પર દેશી દારુ લઈને જતો ઈસમ ઝડપાયો.
તાલુકાના વિવિધ ગામોના બુટલેગરો દ્વારા દેશી દારુની લેવડદેવડ થતી હોવાની આશંકા.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામ નજીક મોટર સાયકલ પર દેશી દારુ લઈને જતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસના જવાનો પીએસઆઈ એન.જે.ટાપરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન વલી ગામ પાસે આવતા એક મોટર સાયકલ લઈને જતો ઈસમ શંકાસ્પદ જણાતા તેને ઉભો રહેવાનું કહેતા તે ઈસમ મોટર સાયકલ ચલાવી નાશવા લાગ્યો હતો.
પોલીસે તેનો પીછો કરી રોકીને તપાસ કરતા સદર મોટર સાયકલ પર રાખેલ પોટલા માંથી વિમલના થેલામાં રાખેલ દેશી દારુ મળી આવ્યો હતો.
પોલીસે આ મોટર સાયકલ ચાલક રાકેશ હરિલાલ વસાવા રહે.કોલીયાપાડા તા.નેત્રંગનાને કુલ રૂ.૧૨૦૬૦ ના મુદ્દામાલ સાથે હસ્તગત કરીને તેના વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોટર સાયકલ પર લઈ જવાતા દેશી દારુની આ ઘટનાને પગલે તાલુકાના વિવિધ ગામોએ એકથી બીજા સ્થળે દેશી દારુની હેરાફેરી થતી હોવાની શંકાઓ ઉઠવા પામી છે.